ભાવનગર શહેરમાં કપ સીરપનું બિન અધિકૃત રીતે વેચાણ થઈ રહ્યું હોવાના મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે કફ સિરપનું વેચાણ કરવાના મામલે પોલીસે પોતાની કાર્યવાહી તેજ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આ નેટવર્ક પર સકંજો કસવામાં આવ્યો છે અને વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
SOG પોલીસે બુધેલ મામસા પાસે આવેલી પીંકલ ફાર્મસીના માલિક યસ ડાભીની ધરપકડ કરી છે. યસ ડાભી બિન-અધિકૃત રીતે કફ સિરપનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર મામલાની શરૂઆત ત્રણ દિવસ અગાઉ થઈ હતી, જ્યારે SOG પોલીસ દ્વારા રેડ કરીને કફ સિરપની કુલ 30 નંગ બિન-અધિકૃત બોટલો જપ્ત કરી હતી. તે સમયે પોલીસે સ્થળ પરથી બે મુખ્ય આરોપીઓ હર્ષ ચૌહાણ અને તુષાર દિહોરાને ઝડપી લીધા હતા.આ બંને આરોપીઓની સઘન પૂછપરછ અને તપાસના આધારે પોલીસે આ ગેરકાયદેસર વેચાણના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. તપાસ દરમિયાન પીંકલ ફાર્મસીના માલિક યસ ડાભીની સંડોવણી ખુલ્લી પડતાં SOG પોલીસે તેમની ધરપકડ કરીને આ મામલે વધુ ઊંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કફ સિરપનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં બીજા કોણ કોણ સામેલ છે, તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.



