અમદાવાદ શહેરમાં બાળકોની સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠાવે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલે મૂકવા જતા એક રિક્ષાચાલકે માસૂમ બાળકો સાથે અશ્લીલ હરકતો કરી હોવાની ફરિયાદ નોંધાતા અમદાવાદ શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ સાથે વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ રિક્ષાચાલક સ્કૂલે જતા 6 થી 9 વર્ષની વયજૂથના કુલ ચાર જેટલા બાળક અને બાળકીઓ સાથે સતત અશ્લીલ વર્તન કરતો હતો. આ શરમજનક ઘટનાની જાણ બાળકોના વાલીઓને થતાં, તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. વાલીઓની ફરિયાદના આધારે, રામોલ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી સ્કૂલ રિક્ષા ચાલક રાજકુમાર રાજપૂતની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર મામલાની ગંભીરતા જોતાં, પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



