ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને RDX થી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આતંકી સંગઠન લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમના (LTTE ) પૂર્વ સભ્યો અને કાશ્મીર ISKP ના સભ્યોએ સાથે મળીને આ ધમકી આપી હોવાના અહેવાલો છે. સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની કોર્ટોને નિશાન બનાવી એક જ પેટર્નથી ધમકીભર્યા સંદેશા મળતા રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બની ધમકી મળતા જ કોર્ટની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી હતી. ગઇકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ ધમકી મળી હતી. હાલ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ કોર્ટ સંકુલમાં પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તેવી જ રીતે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અનામી ફોન દ્વારા ધમકી મળતા વકીલો અને અરજદારો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે.આ જ પેટર્નને અનુસરીને રાજકોટમાં પણ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા ઈન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને યુનિવર્સિટી પોલીસ, SOG અને બોમ્બ સ્ક્વોડે તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આણંદ અને ભરૂચમાં પણ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષાના સખત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.હાલ તપાસ એજન્સીઓ આ ધમકી કોના દ્વારા ક્યાંથી આપવામાં તે દિશામાં તપાસ કરી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આતંકી સંગઠનોના જોડાણથી આપવામાં આવેલી આ ધમકીને પગલે રાજ્યના તમામ મહત્વના સરકારી સંકુલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલ તમામ કોર્ટ પરિસરોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.



