ગુજરાતમાં હાલ આંતરજ્ઞાતિ સગાઈ, લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. સિંગર કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, સુરતની આરતી સાંગાણીએ કરેલા લવમેરેજની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં હરિપ્રકાશદાસજી સ્વામીએ હનુમાન ચાલીસા યુવા કથામાં પણ આ મુદ્દે ટકોર કરી હતી.
ત્રીજા દિવસે સ્વામીએ આજના સમયમાં થતા પ્રેમ વિશે ટકોર કરતા જણાવ્યું, આજના સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં થતા પ્રેમ વિશે યુવાનોને ટકોર સાથે પ્રેમનું વર્ણન કરતા કહ્યું હતું કે, આજનો પ્રેમ એટલે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા,ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું. પ્રેમ કરવો હો તો રાધા અને કૃષ્ણ જેવો કરવો કારણ કે રાધા અને કૃષ્ણનો પ્રેમ એ સાચો પ્રેમ હતો.
સાથે જ સ્વામીજીએ લવ મેરેજ અને અરેન્જ મેરેજ વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ અને લોકબોલીમાં સમજાવતા જણાવ્યું હતું કે, ‘જ્યારે આપણે બધાને કહીને અને પરિવારની સાથે બેસીને જમીએ તેને અરેન્જ મેરેજ કહેવાય છે, પરંતુ જે એકલા અને છાનામાના જમી લે, તેને લવ મેરેજ કહેવાય છે.’ તેમણે લગ્નમાં પારિવારિક સહમતિ અને સામાજિક મર્યાદાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આજના જમાનાનો પ્રેમ અજીબ છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં પડે અને અંતે બંને જણા ડેમમાં પડે. આ માટે કહ્યું કે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું. યુવાનોને પ્રેમ અંગે ટકોર કરતું હરિપ્રકાશ સ્વામીનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
પાટીદાર સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને તબલા વાદક છે. બન્ને વચ્ચે દોઢ વર્ષ પહેલાં પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ 16 ડિસેમ્બરના રોજ દેવાંગ અને આરતી સાંગાણીએ લવ મેરેજ કરી લીધા હતા. આરતીના અનેક કાર્યક્રમોમાં દેવાંગ તબલા વગાડતો જોવા મળતો હતો. આરતીના લગ્નને લઈ સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે. પાટીદાર આગેવાનોના કહેવા પ્રમાણે, આરતી સાંગાણી અન્ય સમાજમાં લગ્ન કરીને ભાગી ગઈ છે. જેથી સમાજમાં ખૂબ રોષ છે.ગુજરાતી સિંગર કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી હતી. આ બિઝનેસમેન બ્રહ્મ સમાજથી ન હોઈ અને આંતરજ્ઞાતિય છે તેવી ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. કાંકરેજના શિહોરી ખાતે સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો. આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી હતી.




