સુરત શહેરમાં અકસ્માતની વિવિધ ઘટનામાં બે ના મોત અને એક ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સાયણ-ઉમરા બ્રિજ ઉપર ડિવાઈડર સાથે સ્પોટ્ર્સ બાઈક અથડાઈ હતી. અકસ્માતમાં બાઈક સવાર બંને મિત્ર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પૈકી એક બ્રિજ ઉપરથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો., જ્યારે અન્ય મિત્ર હાલ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાયણના ઉમરા ગામમાં આવેલ હળપતિવાસમાં રહેતા ૩૧ વર્ષીય કિશન ભીખાભાઈ રાઠોડ અને ૧૯ વર્ષીય સાહિલ ભીખાભાઇ રાઠોડ મિત્ર છે, ગુરૂવારે સાંજે કેટીએમ સ્પોર્ટ્સ બાઈક પર સાયણ મીલમાં કિશનનો પગાર લેવા માટે ગયા હતા અને સાયણથી પરત ઉમરાગામ ઘરે આવતા હતા, ત્યારે સાહિલ બાઈક ચલાવતો હતો. જ્યારે મિત્ર કિશનકુમાર તેની પાછળ બેસેલો હતો. દરમિયાન સાયણ-ઉમરા રેલ્વે ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડિવાઈડર સાથે તેમની બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો.
બન્ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે પૈકી કિશનકુમાર બ્રિજ પરથી નીચે પટકાયો હતો. જેથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે સાહિલને શરીરના વિવિધ ભાગે ઈજા પહોંચી હતી. બનાવ અંગે ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં મૂળ બિહારના વતની અને હાલ સચિન જીઆઈડીસી પ્રિન્સસાંઈ નગર સોસાયટીમાં રહેતા કમલેશ રામપ્રવેશ સિંહ (ઉ.વ.૨૪) ડ્રાઈવર તરીકે નોકરી કરી પત્નિ અને પુત્ર સહિતના પરીવારનું ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે રાત્રે કમલેશ ઘર પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે પલસાણથી હજીરા તરફ જતી કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત કમલેશને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.



