પેસેન્જર વાહનોમાં કેપેસિટી કરતાં વધુ મુસાફરોને બેસાડશે તો હવે વધારાના યાત્રીદીઠ ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલાશે. અત્યાર સુધી કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેસાડવાના કિસ્સામાં કેટલા રૂપિયા દંડ વસૂલવો તે અંગે કોઈ જ સ્પષ્ટ જોગવાઈ ન હતી. તેથી સરકારે પેસેન્જર વાહનો જેવા કે ઓટોરિક્ષા, બસ, કેબ ટેક્સીમાં કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવે તો દંડ વસૂલવાની જોગવાઈ કરતું નોટિફિકેશન જારી કર્યું છે. હજુ પણ શહેરમાં રખડતા ઓટોરિક્ષાચાલકો ત્રણથી વધુ મુસાફરોને બેસાડે છે. જ્યારે સ્કૂલવાનચાલકો પણ કેપેસિટી કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડી શહેરમાં ખુલ્લેઆમ આંટાફેરા મારતા રહે છે.

ઓટોરિક્ષાચાલકો ત્રણ મુસાફરોની કેપેસિટી સામે પાછળ અને આગળ મળી ચારથી પાંચ મુસાફરોને બેસાડી બિનધાસ્ત રીતે આંટાફેરા મારતા રહે છે. તેવી જ રીતે સ્કૂલવાનના ચાલકો ઘેટાંબકરાંની જેમ વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને બેસાડે છે. જ્યારે દિવાળી અને ઉનાળુ વેકેશનની સિઝનમાં ખાનગી બસના સંચાલકો કેપેસિટી કરતાં વધુ મુસાફરોને બેસાડી રાજ્યના એક જિલ્લાથી બીજા જિલ્લામાં ફરતા રહે છે. ત્યારે કેપેસિટી કરતાં વધુ મુસાફરોને બેસાડવા પર અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. ત્યારે રાજ્ય સરકાર નોટિફિકેશન જારી કરીને કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેસાડનારા વાહનચાલકો પાસેથી વધારાના મુસાફરદીઠ ૨૦૦ રૂપિયા દંડ વસૂલવા આદેશ જારી કર્યો છે. વધારાના મુસાફરદીઠ ૨૦૦ રૂપિયા દંડ વસૂલાશે. સરકારના નોટિફિકેશનમાં આરટીઓ અને પોલીસ બંને વિભાગના કર્મચારીઓએ ૨૦૦ રૂપિયા દંડ વસૂલવાનો રહેશે તેવી સ્પષ્ટ જોગવાઈ કરી છે.



