સુરતના પુણાથી વતન ગોધરા જવા માટે સુરત રેલવે સ્ટેશને આવેલો શ્રમજીવી પરિવાર બચતના રોકડા ૧.૪૪ લાખ રૂપિયા અને ૩૦ હજારના દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલી જતાં મુશ્કેલીમાં મુકાયું હતું.૧૦૦થી પણ વધુસીસીટીવી તપાસી મહિધરપુરા પોલીસે આ રિક્ષા અને તેના ચાલકનો નંબર મેળવી બેગ હેમખેમ તેના માલિકને સોંપી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરત શહેરની મહિધરપુરા પોલીસ પાસે એક પરિવાર આવ્યો હતો. પુણા મહાવીર નગરમાં રહેતા રમેશભાઈ થોરી તેમની પત્ની અને પરિવાર સાથે વતન ગોધરા જવા માટે ટ્રેન પકડવા રિક્ષામાં સુરત રેલવે સ્ટેશને આવ્યા હતા. ટ્રેન પકડવાની લાયમાં તેમણે ઉતાવળે રિક્ષામાંથી સામાન તો કાઢ્યો હતો, પરંતુ જેમાં રોકડ અને દાગીના હતા તે બેગ રિક્ષામાં જ પાછળની તરફ રહી ગઇ હતી. પરિવારનું આક્રંદ જોઈ ઈન્સ્પેક્ટર એન. એચ. બ્રહ્મભટ્ટે એક ટીમને કામે લગાડી હતી. આ ટીમે સુરત રેલવે સ્ટેશનથી સીસીટીવી કેમેરા ચકાસવાનું શરૂ કરી રિક્ષાનો નંબર મેળવ્યો હતો. આ નંબરને આધારે તેના ચાલકનો સંપર્ક કરી તેને શોધી કાઢ્યો હતો. રિક્ષાની પાછળ આ બેગ મળી આવતાં પોલીસે તે આ પરિવારને પરત સોંપી હતી. તે માટે પોલીસે કલાકોની જહેમત ઉઠાવી ૧૦૦ કરતાં પણ વધુ સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા.



