અમદાવાદ શહેરમાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે જ્યાં પ્રેમિકા સાથે લગ્ન કરવાના સપના જોઇ રહેલા યુવક સાથે ઓનલાઇન વિધી કરવાના નામે એક ઠગે યુવકને 6 લાખનો ચુનો લગાવ્યો હતો. યુવકે આ મામલે ફરિયાદ કરતા ખાડીયા પોલીસે બાપુનગરથી આ ઓનલાઇન ઠગ જ્યોતિષને ઝડપી પાડ્યો હતો.
ખાડિયા પોલીસે વિનોદ જોષી નામના જ્યોતિષ વિદ્યાના નામે ખાડીયા યુવક સાથે છેતરપીંડી કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે..આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં જ્યોતિષ તરીકે જાહેરાત આપીને યુવક સાથે ઠગાઈ કરી હતી. ઘટનાની વાત કરીએ તો ખાડીયા વિસ્તારમાં રહેતા યુવકને પ્રેમિકા સાથે લગ્ન કરવામાં અડચણો આવી રહી હતી. દરમિયાન 24 જૂન 2023ના રોજ ઇન્સ્ટાગ્રામમાં એક જાહેરાત વાંચી હતી જેમાં 24 કલાક માં તમારી અડચણોનું નિવારણ થશે તથા લગ્નની અડચણોને ધાર્મિક વિધિથી સમસ્યાનું નિરાકરણ આવશે તેમ જણાવાયું હતું.જેથી યુવકે જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા આરોપી વિનોદ જોષીએ રજિસ્ટ્રેશનના નામે રૂ 1 હજાર પડાવ્યા હતા. ત્યાર બાદ લગ્નની અડચણો દૂર કરવા તાંત્રિક વિધિ અને ધાર્મિક વિધિના નામે ઓનલાઈન 6 લાખ પડાવ્યા હતા.પરંતુ યુવકના પ્રેમિકા સાથે લગ્ન નહિ થતા તેની સાથે છેતરપીંડી થઈ હોવાનો યુવકને અનુભવ થયો હતો જેથી યુવકે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી..પોલીસે ટેક્નિકલ એનાલિસિસની મદદથી બાપુનગરથી આરોપીની ધરપકડ કરી છે.




