રૂ.૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાતા દુબઈના રીઝવાન લિંબાડા વિરૂદ્ધ પસાર થયેલા કોફેપોસા એક્ટ અન્વયે હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત મળી હતી. કોફેપોસા એક્ટ અન્વયે ડીઆરઆઈ આરોપી લિંબાડાની એક મહિના માટે અટકાયત નહી કરી શકે તે સંદર્ભે હાઈકોર્ટે વચગાળાનો હુકમ ફરમાવ્યો છે
આ કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨3ના જુલાઈ માસમાં ડીઆરઆઈએ સુરત એરપોર્ટ ઉપરથી ૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીનો કેસ પકડ્યો હતો. જેમાં ભરૂચના રીઝવાન લિંબાડા(હાલ રહે.દુબઈ)ની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં રીઝવાન લિંબાડા મુખ્ય લાભાર્થી, ફાઈનાન્સર અને સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું ડીઆરઆઈની તપાસમાં ખુલ્યું હતું. દરમિયાન આ દાણચોરીના કેસ અંતર્ગત ભારત સરકારના સંયુક્ત સચિવે કોફેપોસાની કલમ 3(1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી આરોપી લિંબાડાને માલની દાણચોરી કરતા અટકાવવા તેને અટકાયતમાં લેવાનો આદેશ પસાર કર્યો હતો.આ અટકાયતનો આદેશ આરોપી લિંબાડાની પત્નીના વોટ્સએપ દ્વારા બજાવવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી લિંબાડાએ સ્પેશ્યલ સિવિલ અરજી કરી કોફેપોસા હેઠળ અટકાયતમાં લેવાના આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જાેકે, જે-તે સમયે લિંબાડા તરફથી આ સ્પેશ્યલ સિવિલ અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.
બાદમાં આ દાણચોરીના કેસમાં આરોપી લિંબાડાએ સુરતના સિનિયર વકીલ કલ્પેશ દેસાઈ અને ઝફર બેલાવાલા મારફતે સુરત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા ગત જુન માસમાં શરતો લાદીને આગોતરા જામીન મંજુર કરવામાં આવી હતી. બાદમાં કોફેપોસા હેઠળ અટકાયતમાં લેવાના આદેશને ફરીથી હાઈકોર્ટમાં પડકારી વચગાળાનો સ્ટે માગવા રજૂઆત કરી હતી. બચાવ પક્ષના વરિષ્ઠ વકીલ દેવેન પરીખે રજૂઆત કરી હતી કે, ફોજદારી કાર્યવાહી અને નિવારક અટકાયનો આદેશ સંગઠિત દાણચોરી પ્રવૃત્તિઓના સમાન આરોપ પર છે. સેશન્સ કોર્ટે આપેલ આગોતરા જામીનની શરતો મુજબ ડીઆરઆઈ સમક્ષ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. જેથી સેશન્સ કોર્ટના આદેશનું પાલન કરવા માટે અટકાયતના આદેશપર વચગાળાનો સ્ટે આપવા માગ કરી હતી. બંને પક્ષની દલીલો ધ્યાને લીધા બાદ કોર્ટે અટકાયતના આદેશ પર એક મહિના માટે રોક લગાવી છે.



