કુકરમુંડાના તોરંદા ગામમાં મકાન બનાવવા માટે કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોવાથી ગૌચરની જગ્યાને ગામતળમાં તબદીલ કરી ગ્રામજનોને પ્લોટ ફાળવી આપવામાં આવે તેવી લેખિત માંગણી મામલતદાર કચેરી ખાતે ગ્રામજનોએ કરી છે.
મળતી વિગતો પ્રમાણે કુકરમુંડા તાલુકાના તોરંદા ગામના રહીશોએ કુકરમુંડા મામલતદારને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, તોરંદા ગામની દક્ષિણ દિશા તરફ ગૌચર જમીન સર્વે નં.૮૦ ક્ષેત્રફળ ૪-૫૬-૭૯, સર્વે નં.૧ ક્ષેત્રફળ ૬-૬૯-૦૮, સર્વે નં.૧૩૨ ક્ષેત્રફળ ૩-૩૧-૧૮, સર્વે નં-૮૧ ક્ષેત્રફળ ૨-૭૯-૨૬, સર્વે નં.૧૩૧ ક્ષેત્રફળ ૫-૦૭-૮૭ નો હેતુફેર કરી ગામતળમાં તબદીલ કરી રહેણાંકના હેતુ માટે ગ્રામજનોને ફાળવી આપવામાં આવે તેવી માંગણી છે. ગામમાં મકાન બનાવવા કે સંતાનોના નવા ઘરો બનાવવા માટે જગ્યા ઉપલબ્ધ નથી. ગામમાં ગૌચર જમીનો ઉપર ભવિષ્યમાં કોઇ દબાણકર્તાઓ કબજો જમાવી લે તો રહીશોને મોટી હાલાકી ભોગવવી પડશે. કેટલાંક લોકો જમીન ઉપર ગેરકાયદેસર ખેડાણ કરી પાક-ઉપજ લેતા થયા છે, સ્થળ તપાસ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી જમીનનો હેતુફેર કરી ગામતળમાં તબદીલ કરી ગ્રામજનોને રહેણાંક માટે પ્લોટની ફાળવણી થાય તેવી માંગણી કરવામાં આવી હતી.




