સુરત શહેરમાં આવેલા મોટા વરાછા એબીસી સર્કલ પાસે નવી બંધાતી લક્ષ્મી પૂજા નામની બિલ્ડીંગમાં પહેલા માળેથી ગુડસ લિફ્ટમાંથી નીચે પટકાયેલા કડિયા કામદારનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાન બાસવાડાના વતની અને હાલ ભટાર વિસ્તારમાં આવેલ ખોડીયાર નગરમાં રહેતા ૨૨ વર્ષીય સુનિલ નારાયણ મહિડા કડિયા કામ કરી પત્ની તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો. સુનીલ હાલમાં મોટા વરાછા એબીસી સર્કલ પાસે નવી બંધાતી લક્ષ્મી પૂજા નામની બિલ્ડીંગમાં કડિયા કામ કરતો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે સુનિલ નવી બાંધતી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર થી ઉપરના માળે ગુડસ લિફ્ટમાં જતો હતો. તે સમયે પહેલા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સુનિલનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ ઉત્રાણ પોલીસ કરી રહી છે.



