કતારગામમાં રહેતા યુવકે પ્રેમ લગ્નના બે વર્ષમાં જ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. પત્ની પતિના કોઈક યુવતી સાથે આડા સંબંધ હોવાને લઈ વહેમ શંકા કર્યા કરતી હતી. જે બાબતને લઈ દંપતી વચ્ચે થતા ઝઘડાઓથી કંટાળી પતિ એ આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વતની અને હાલ કતારગામ લલિતા પાર્ક સોસાયટીમાં ૩૦ વર્ષીય દીપક ઘનશ્યામભાઈ કંડોરીયા પત્ની તેમજ એક પુત્રી સહિતના પરિવાર સાથે રહેતો હતો. દીપક એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. દીપકભાઈએ બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. દીપકભાઈની પત્ની તેના પર અવારનવાર આડા સંબંધ હોવાને લઈ વહેમ શંકા કર્યા કરતી હતી. જે બાબતને લઈ બંને વચ્ચે ઝઘડો થતો હતો. ગઈકાલે સવારે દિપકએ કતારગામ ગજેરા સર્કલ ખાતે આવેલ લેક ગાર્ડનમાં ઝેરી દવા પી લીધી હતી. જેથી ૧૦૮માં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દીપકનું મોત નિપજ્યું હતું. દીપકની પત્ની તેની પર અવારનવાર કોઈક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું કહી તેમના પર શંકા કરતી હતી. જેથી દીપકએ કંટાળી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.



