નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક અસ્થિર મહિલાએ વૃક્ષ ઉપર ચડી હગામો મચાવ્યો હતો. ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ટીટીએલ લેડર્સની મદદથી વૃક્ષ પર ચઢેલી માનસિક અસ્થિર મહિલાને નીચે ઉતારી લીધી હતી. ત્યારબાદ સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત જાણકારી મુજબ મંગળવારે બપોરે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ૬૦થી ૬૫ વર્ષીય વૃદ્ધ મહિલા વૃક્ષ ઉપર ચડી ગઈ હતી. હોસ્પિટલના કર્મચારી સહિતના લોકો એકઠા થઈ ગયા હતાં. હોસ્પિટલના સ્ટાફે તેને જોઈ લેતા ફાયર કંટ્રોલને તેની જાણ કરી હતી. જેથી મજુરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અંદાજે ૨૦થી ૩૦ ફૂટની ઉંચાઈએ વૃક્ષ ઉપર ચડેલી મહિલા બૂમાબૂમ કરી રહી હતી. વૃદ્ધ મહિલા અર્ધનગ્ન અવસ્થામાં હતી. જૈને નીચે ઉતારવા માટે ફાયરના જવાનોએ ટીટીએલ લેડર્સ મંગાવી તેની મદદ લઈ સાવધાનીપૂર્વક વૃદ્ધ મહિલાને નીચે ઉતારી લેવાઈ હતી. સાથે જ સાવચેતીના ભાગરૂપે નીચે નેટ પણ ગોઠવવામાં આવી હતી. અંદાજે એકાદ કલાકની જહેમત બાદ વૃદ્ધ મહિલાને નીચે ઉતારી લેવામાં આવી હતી. ત્યારબાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.



