સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની સંતોષ ટેક્સટાઇલ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં દાઝી ગયેલી મહિલાનું સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. જેથી મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં બે દિવસ પહેલા કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ ઘટનામાં દાઝી ગયેલા 36 વર્ષીય પ્રિયંકાદેવી અવિનાશકુમાર શાહ (રહે.112 તુલસી પેલેસ, તાતીથૈયા ગામ, પલસાણા) ને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેણીનું આજે બપોરે સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે, તેણીના પતિ વિચમેન છે. અને તેણી પોતે સંતોષ ટેક્સટાઇલ મિલમાંધાગા કટીંગ કરતી હતી, આ બનાવ અંગે પલસાણા પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં વધુ એક મોત નોંધાતા મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. બીજી તરફ મૃતકના પિતાએ ઇન્શ્યોરન્સ સિવાય 12 લાખના વળતરની માંગણી કરી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.



