અમદાવાદ ગ્રામ્યના ધોળકા વિસ્તારમાંથી 30 તારીખની વહેલી સવારે સાત માસની બાળકીનું અપહરણ થયું હતું. તે ગુનામાં પોલીસે અમદાવાદ અને નાસિકના કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી મનીષા મહેશ સોલંકી તેનો પતિ મહેશ સોલંકી તથા બિનલ સોલંકી, જયેશ રાઠોડ અને એજન્ટ સમાધાન જગ્તાપની ધરપકડ કરી છે. ધોળકામાંથી બાળકીનું અપહરણ કરી આરોપીઓ બસમાં બેસી ઔરંગાબાદ ગયા હોવાની હકીકત સામે આવતા ઔરંગાબાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી મનીષા, બિનલ અને જયેશની ધરપકડ કરવામાં આવી. સાથે જ બાળકની ડીલેવરી લેવા આવનાર એજન્ટ સમાધાન જગતાપ પણ ત્યાંથી જ ઝડપાયો હતો. જે તમામની પૂછપરછ કરતા આ પહેલા પણ ચાર બાળકો વેચાયા હોવાની હકીકત સામે આવી છે.
બાળ તસ્કરીના રેકેટ અંગે તપાસ કરવા પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. સાથે જ બાતમી મળતા મનીષા અને બિનલ આ રેકેટમાં સંડોવાયેલા હોવાની હકીકત સામે આવી હતી. જે હકીકતના આધારે આરોપીઓ સુધી પોલીસ પહોંચી, સાથે જ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે મુખ્ય આરોપી મનીષા વર્ષ 2021થી અલગ અલગ આઈવીએફ સેન્ટરમાં એગ ડોનર તરીકે કામ કરતી હતી. જે બાદ તેને મુલાકાત બીનલ સાથે થઈ સાથે જ ઝડપાયેલી આરોપી જયેશની બહેન પણ એગ ડોનર હોવાથી જયેશ સાથે મુલાકાત થઈ હતી. જોકે મનીષા અને બિનલ ઉંમરના કારણે હવે વધુ સમય એગ ડોનેટ કરી શકે તેમ ન હોવાથી બાળકો વેચવાનું રેકેટ શરૂ કર્યું હતું. જેમાં એક વર્ષમાં એક બાળક મુંબઈ અને ત્રણ બાળકો ઔરંગાબાદ વેચ્યા હોવાનું સામે આવ્યું છે.



