તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં શમશાબાદ સ્થિત રાજીવગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને (RGIA) ને આજે ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતાં જ બહેરીનથી હૈદરાબાદ આવી રહેલી ગલ્ફ એર ફ્લાઇટ GF274ને મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી. પોલીસ ડોગ સ્ક્વાડ અને બોમ્બ સ્ક્વાડ તરત જ સ્થળ પર પહોંચ્યા. એરપોર્ટને સીલ કરીને દરેક ખૂણે તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ વિસ્ફોટક જેવી વસ્તુ મળી નથી.
સવારે એરપોર્ટ ઓથોરિટીને ઈ–મેલ મારફતે એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ઈ–મેલ એરપોર્ટ ઓપરેશન સેન્ટર (APOC) ને સવારે લગભગ 6:50 વાગ્યે મોકલાયો હતો. તેમાં લખેલું હતું કે બહેરીનથી આવતી ફ્લાઇટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જે વિમાન લેન્ડ થતાં જ ફાટી જશે. ધમકી મળતાં જ તે ફ્લાઇટને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ઉતારવામાં આવી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વાડ (BDDS), સ્નિફર ડોગ્સ અને CISF એ ફ્લાઇટને ઘેરીને ઇમરજન્સી ગેટ મારફતે મુસાફરોને બહાર કાઢ્યા અને સંપૂર્ણ સર્ચ ઓપરેશન ચલાવ્યું. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળ્યું નથી. હૈદરાબાદ પોલીસ, સાઇબર ક્રાઇમ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઈ–મેલ મોકલનારનું IP ઍડ્રેસ શોધવામાં લાગી છે, જોકે ધમકી ફર્જી હોવાની શક્યતા છે. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ફ્લાઇટ્સ નિયમિત રીતે ચાલુ છે.



