ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે આગાહીને પગલે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. નદીઓ પણ બંને કાંઠે વહી રહી છે. પૂરની સ્થિતિ હોવાથી જે તે સ્થાનિક તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વડોદરામાં જામ્બુવા નદી ગાંડીતૂર બની છે. જેથી નદીના પાણી જામ્બુવા ગામના બ્રિજ પર ફરી વળ્યા છે. આ દરમિયાન બ્રિજ પાસે ના જવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં એક ટ્રક ચાલકે જાણી જોઈને ધસમસતા પ્રવાહમાં ટ્રક નાખી દીધી હતી.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રક ફસાઈ ગઈ હતી. આ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર જીવ બચાવવા ટ્રક પર ચઢી ગયા હતાં. સ્થાનિકોએ સત્વરે ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડ દ્વારા ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને બચાવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આખી ટ્રક ડૂબી જાય એટલા પાણીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જોકે, બંને બાચવી લેવામાં આવ્યાં હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરાની આ નદીમાં મગરોના ભય રહેતો હોય છે. તેવામાં ફાયર બ્રિગેડ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાઇવેના ટ્રાફિકથી બચવા વાહનચાલકો જામ્બુવા ગામના બ્રિજ પરથી અવર જવર કરતા હોય છે. ડ્રાઈવરે જે રીતે ટ્રકને પાણી વચ્ચે નાખી હતી, તેની લોકોએ આકરી ટીકા પણ કરી હતી. આખરે શા માટે જાણી જોઈને પોતાનો અને અન્ય કોઈને જીવ જોખમમાં નાખવો જોઈએ. તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી જ છે કે, પાણીનું સ્તર ભયજનક સપાટીએ હોવાથી આ રસ્તે પસાર થવું નહીં. છતાં પણ કેટલાક લોકો પોતાનો જીખમમાં મુકતા હોય છે.




