શહેરના કતારગામના માથાભારે લાખો સાટીયા, ભોળા સાટીયા અને સાગરીતો દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને ખંડણીનો ભોગ બનેલા યુવકના પિતાને આ ફરિયાદ પરત લેવા અને કેસને કારણે કોર્ટમાં બે લાખનો ખર્ચો થયો છે તેમ કહી ૩૦ હજાર પડાવી લેવાયા હતા.
મળતી વિગતો પ્રમાણે સુરત શહેરના સિંગણપોર પોલીસ મથકમાં કતારગામમાં રહેતા ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી. ૫૦ વર્ષીય આધેડના પુત્ર માથાભારે તત્ત્વો દ્વારા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ભોગ બન્યો હતો. લાખા સાટીયા, તેના ભાઈ ભોળા સાટીયા અને ટોળકીએ તેનું યૌનશોષણ કરી તેનો વીડિયો બનાવી લીધો હતો અને બ્લેકમેઈલ કરી ૧.૨૫ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. જેને લઈ આ યુવકે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પણ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન આ સાટીયા બંધુઓએ ગત સાતમી ઓગસ્ટની સાંજે યુવકના પિતાને સિંગણપોર વિસ્તારમાં આંતર્યો હતો. તેમના પુત્રે કરેલા કેસને કારણે તેમને કોર્ટમાં બે લાખનો ખર્ચો થઇ ગયો છે તેમ કહી ૩૦ હજાર રૂપિયા પડાવી લઈ પુત્રને સમજાવી કેસ પરત ખેંચવા ધમકી આપી હતી. મામલો સિંગણપોર પોલીસ મથકે પહોંચતાં પોલીસે ભરત ઉર્ફે લાખો બોઘા સાટીયા (રહે. સોનલપાર્ક સોસાયટી, કતારગામ) અને ભોળા બોઘા સાટીયા (રહે. નંદનવન સોસાયટી, કતારગામ) વિરુદ્ધ ખંડણી અને ધાકધમકીનો ગુનો નોંધી વધુ તપાસ ઇન્સ્પેક્ટર વાય.બી. ગોહિલે હાથ ધરી છે.



