Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Surat: સુરતના નવા ભટાર ખાતે નવનિર્મિત આદિવાસી સમાજ ભવનને ખુલ્લું મૂકતા રમત-ગમત રાજ્યમંત્રી ડૉ.જયરામભાઈ ગામીત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સમસ્ત આદિવાસી સમાજ-સુરત શહેર દ્વારા નવા ભટાર ખાતે નવનિર્મિત આદિવાસી સમાજ ભવનને રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી ડૉ.જયરામભાઈ ગામીતે ખુલ્લું મૂક્યું હતું. પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતના પંચ્યાસી મહોલ્લો, નવા ભટાર, ઉધના મગદલ્લા રોડ ખાતે નિર્મિત આદિવાસી સમાજ ભવનમાં વિદ્યાર્થીઓ, સારવાર માટે સુરત આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો તેમજ અન્ય જરૂરિયાતમંદો, પરીક્ષા આપનાર યુવાનો નિવાસ કરી શકશે.

સમાજની એકતા, આદિજાતિ સંસ્કૃતિના જતન અને ઉત્થાનના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર સતત કાર્યરત છે, પરંતુ સમાજના દરેક વ્યક્તિએ પણ સંગઠિત થઈને સમાજ ઉત્થાન માટે જાગૃત્ત બનવું જરૂરી છે.ડો.ગામીતે આગામી ૨૫ થી ૨૭ ડિસેમ્બર દરમિયાન નવરચિત અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાનાર ઉદ્યોગ, પ્રવાસન અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન માટેના ટ્રાઈબલ ટ્રેડ ફેરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહ્વાન કર્યું હતું. આ સંદર્ભે ગ્રામીણ વિસ્તારમાં સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન અને માર્કેટિંગ દ્વારા આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ડો.ગામીતે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે અનેકવિધ યોજનાઓએ આદિવાસી સમાજના ઉત્થાન અને પ્રગતિમાં મોટું યોગદાન છે. દેવમોગરા માતાના યાત્રાધામના વિકાસ માટે રાજ્ય સરકારે રૂ. ૧૬ કરોડની ફાળવણી કરી છે. સમાજને જ્યારે પણ મદદની જરૂર પડશે ત્યારે સહાયરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. વડાપ્રધાનશ્રીના વિઝન- વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના નિર્માણમાં આદિવાસી સમાજનું મહત્વપૂર્ણ યોગદાન રહે તે માટે સૌએ સંકલ્પબદ્ધ બનીને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

આદિવાસી સમાજના સંગઠન અને એકતાથી જ સર્વાંગી વિકાસ શક્ય છે એમ જણાવતા મંત્રીશ્રીએ લોકાર્પણ થયેલું આદિવાસી સમાજ ભવન માત્ર એક મકાન નહીં, પરંતુ સમાજની એકતા, ઓળખ, સંસ્કૃતિ, પ્રકૃતિ અને નવા વિચારોનું કેન્દ્ર બનવાનું છે. સુરત જેવા મહાનગરમાં આ પ્રકારનું સમાજભવન ઊભું કરવું સહેલું નથી અને તેના માટે સમગ્ર ટીમે કરેલી મહેનત બદલ તેમણે સમસ્ત આદિવાસી સમાજ તથા પ્રદીપભાઈ ગરાસિયા અને તેમની ટીમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્ય અને કેન્દ્ર સરકારે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની સમગ્ર દેશ-રાજ્યમાં ભવ્ય ઉજવણી કરી છે, ત્યારે તેમના આદર્શ જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રનિર્માણમાં સહયોગ આપવા સૌને પ્રેરિત કર્યા હતા.

પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતની વિકાસયાત્રામાં આદિવાસી સમાજનું યોગદાન અત્યંત મહત્વનું અને ગૌરવપૂર્ણ રહ્યું છે. રાજકારણથી લઈને સરકારના વિવિધ વિભાગોમાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો અધિકારી અને પદાધિકારી તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે.

સુરત એવી કર્મભૂમિ છે જ્યાં સારા હેતુથી અને શુદ્ધ ભાવનાથી કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થાય છે. આદિવાસી સમાજના હિતાર્થે નિર્માણ પામેલા આ સમાજભવનનો ઉદ્દેશ પણ નિશ્ચિતરૂપથી સફળ થશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ભગવાન બિરસા મુંડાને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, નાની ઉંમરે જ ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજને સંગઠિત કરીને અંગ્રેજ શાસન સામે લડત આપી હતી. સંચાર અને સાધનોના અભાવ વચ્ચે જંગલ વિસ્તારોમાં તેમણે જે સંઘર્ષ કર્યો, અંગ્રેજો સામે લડ્યા તે આજે પણ સૌ માટે પ્રેરણારૂપ છે. આદિવાસી સમાજના યુવાનો માટે ભગવાન બિરસા મુંડાનું જીવન અને કાર્ય યુવાનો માટે માર્ગદર્શક છે.

સમસ્ત આદિવાસી સમાજ (ગુજરાત)ના પ્રમુખશ્રી ડૉ.પ્રદીપભાઈ ગરાસિયાએ પ્રેરક સંબોધન કરી ભાવિ આયોજનની રૂપરેખા આપી હતી.આ સાથે અલથાણના સોહમ સર્કલ પાસે કમ્યુનિટી હોલ ખાતે સ્નેહ-મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિપૂજા સાથે કરવામાં આવી હતી. મહાનુભાવોનું સ્વાગત આદિવાસી તુર વાદ્ય સંગીતની સુરાવલિ અને નૃત્યોથી કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભ પહેલા મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીના નિવાસસ્થાને આદિજાતિ મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. જ્યાંથી સમાજભવન સુધી આદિવાસી નૃત્યો, પરંપરાગત રંગીન વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈ, વાજિંત્રો સાથે, બહેનો દ્વારા ફૂલ ગજરો અને આદિજાતિ પહેરવેશ અને સંસ્કૃતિના નાદ અને તાલ સાથે સૂપડામાં દાબડો, ઘાસ માથે મૂકીને દાતરડું, ટોપલી, સાંબેલું, લાકડી, પાળિયા અને પ્રકૃતિ સાથે સ્વાગત કરાયું હતું.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!