વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર, 15 નવેમ્બર, 2025ના રોજ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગુજરાતની મુલાકાત લેશે. એરપોર્ટથી અંત્રોલી સુધીના અંતરને જોતાં તંત્ર દ્વારા નરેન્દ્ર મોદી માટે સુરત એરપોર્ટથી અંત્રોલી સુધી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, સુરત એરપોર્ટ પર મેયર દક્ષેશ માવાણી, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંધવી, જિલ્લા કલેકટર ડો. સૈરભ પારધી તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત વડાપ્રધાનનું સ્વાગત કરશે, અને ત્યાર બાદ તેઓ સવારે 11:00 કલાકે નિયોલ ગામે આવેલા હેલિપેડ પર ઉતરાણ કરશે.
જોકે, સાથે-સાથે જો હવામાન બગડે તો વડાપ્રધાન મોદીને બાયરોડ પણ સુરત એરપોર્ટથી અંત્રોલી સુધી લઈ જવાના આયોજનો કરવામાં આવી રહી છે. બાય રોડનો વિકલ્પ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. જો હવામાન ખરાબ હશે તો વડાપ્રધાન મોદી અંત્રોલીથી ડેડિયાપાડા પણ બાયરોડ જઈ શકે છે. ત્યારબાદ તેઓ પલસાણા તાલુકાના અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશન અને પ્રોજેક્ટની મુલાકાત લેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ ટ્રાયલ રન અંત્રોલી (સુરત) થી બીલીમોરા વચ્ચે થવાનો છે, જેના કાર્યની પ્રગતિનું PM મોદી જાતે નિરીક્ષણ કરશે.
વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તંત્ર દ્વારા સુરત સુરત શહેર અને જિલ્લામાં કેટલાક રુટ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનની આ મહત્વપૂર્ણ મુલાકાતને સુચારૂ અને નિર્વિધ્ર બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીની અધ્યક્ષતામાં સુરત કલેકટરની ઓફિસ ખાતે આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કલેકટર ડો. પારધીએ વડાપ્રધાનની મુલાકાત માટેની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી અને અધિકારીઓને સંબંધિત જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની તાકીદ કરી હતી.



