સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડથી બચવા માટે અવાર-નવાર અનુરોધ કરી યોજવામાં આવતાં જનજાગૃતિના કાર્યક્રમો છતાં વધુને વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ અવાર નવાર સચેત રહેવા માટે અનુરોધ પણ કરે છે. આમ છતાં તેની કોઈ અસર થતી ન હોય તેમ અરજદારો લુંટાતા રહે છે.
મળતી માહિતી પ્રમાણે સોનગઢના ગુણસદા ગામની ૨૪ વર્ષીય મહિલાને તા.૧૬મી જુલાઈના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો.જેમાં ફોન કરનારે પોતાને તેમના પિતાનો મિત્ર મનોજ તરીકે ઓળખાવ્યો હતો. તેણે વિશ્વાસ કેળવીને જણાવ્યું કે તેણે ભૂલથી મહિલાના ખાતામાં રૂ.૪૫૦૦ને બદલે રૂ. ૪૫૦૦૦ ટ્રાન્સફર કરી દીધા છે. ત્યારબાદ તેણે ખોટા ટેક્ષ મેસેજ મોકલીને અને વોટ્સએપ પર કયુઆર કોડ મોકલીને મહિલા પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.૧૪૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા મહિલાએ તરત જ ૧૯૩૦ હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી હતી.જયારે સાયબર ફ્રોડના બીજા બનાવમાં સોનગઢમાં રહેતા અને એક ખાનગી પેપર મિલમાં એન્જિનિયર તરીકે કામ કરતા ૨૬ વર્ષીય યુવક સાથે ઓનલાઈન ટાસ્ક-આધારિત કૌભાંડમાં રૂ.૦૨ લાખથી વધુની છેતરપિંડી થઈ છે. મૂળ અમદાવાદના રિલિફ રોડ પર રતનપોળના રહેવાસી અને હાલ સોનગઢની મંગલમ સોસાયટીમાં રહેતા જીમીલભાઈ ગોપાલભાઈ રાણા ઉકાઈની જે.કે. પેપર મિલમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે.તેમણે આપેલી પોલીસ ફરિયાદ મુજબ ગત ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ જીમીલભાઈના ટેલિગ્રામ એકાઉન્ટ પર એક ‘જાનવી ૬૫’ નામની આઈડી પરથી એક મેસેજ આવ્યો હતો.મેસેજ કરનારે એક વેબસાઈટ પર રોકાણ કરીને અને સરળ ‘ક્લિક ટાસ્ક’ પૂરા કરીને પૈસા કમાવવાની યોજના રજૂ કરી હતી. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે જીમીલભાઈએ કરેલા નાના રોકાણ પર વળતર આપવામાં આવ્યું હતું. તેમની પાસે ફરીથી રૂ. ૫,૪૮,૧૪૯ ની માંગણી કરવામાં આવી ત્યારે જીમીલભાઈને શંકા ગઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે,આ સમગ્ર ઘટનામાં જીમીલભાઈએ કુલ રૂ.૩,૦૨,૫૯૬ ગુમાવ્યા હતા.
