રાજ્ય સરકારના ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026’ અંતર્ગત વાલોડ તાલુકામાં ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી નિપુણા એમ. તોરવણે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.શ્રીમતી તોરવણેએ મોરદેવી મુ. પ્રાથમિક શાળા, સાધના વિદ્યાલય-મોરદેવી તથા ઉત્તર બુનિયાદી કણજોડ ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમના હસ્તે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1, ધોરણ-9 અને ધોરણ-11માં કુલ 125 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નામાંકન કરવામાં આવ્યું હતું. તેમણે નવપ્રવેશી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન તેમણે શાળાઓની શૈક્ષણિક વ્યવસ્થા, ઉપલબ્ધ સુવિધાઓ અને વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધાર્યો હતો તેમજ શિક્ષકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રેરિત કર્યા હતા.આ ઉપરાંત શાળા સંચાલક મંડળ અને એસએમસીના સભ્યો સાથે બેઠક યોજી શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમના અંતે શ્રીમતી નિપુણા તોરવણેએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ: કલેક્ટર દેવ ચૌધરીએ ૫૩ બાળકોને અપાવ્યો પ્રવેશ, રૂ. ૨૦ લાખની ગ્રાન્ટની જાહેરાત : તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કલેક્ટર દેવ ચૌધરી (IAS)એ નિઝર ડિવિઝનની બે દિવસીય મુલાકાત દરમિયાન વડલી અને ઉભદ ગામની શાળાઓમાં કુલ ૫૩ બાળકોને આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ અપાવ્યો હતો. તેમણે શિક્ષણ અને ગામોના વિકાસ માટે કુલ રૂ. ૨૦ લાખની ગ્રાન્ટ જાહેર કરી હતી. સાથે જ મહારાષ્ટ્ર સરહદે આવેલા ઉભદ ગામની પ્રાથમિક શાળાને દત્તક લેવાની ઘોષણા કરી હતી. મુલાકાત દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનોની રજૂઆતો સાંભળી વિકાસ કાર્યો અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી




