વ્યારાના કાકરાપાર અણુમથક ખાતે ફરજ બજાવતા મહિલા કર્મચારીને ઓરિસ્સાના સાસરી પક્ષના સભ્યો દ્વારા વારંવાર શારીરીક-માનસિક ત્રાસ આપી જાતિ વિષયક ગાળાગાળી કરી જાહેરમાં અપમાનિત કરી દહેજની માંગણી કરતા હતા. જેથી તેણે કંટાળી પતિ તેમજ સાસરીપક્ષના અન્ય વ્યકિતઓ મળી આઠ વ્યકિતઓ સામે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારા તાલુકાના ઉંચામાળા અણુમાલા ટાઉનશીપ ખાતે રહેતા તેમજ કેએપીએસ ખાતે ફરજ બજાવતા તનુશ્રી મંડલએ પતિ ચંન્દ્રકાંત રનજીત સંન્ત્રા (રહે.અણુમાલા ટાઉનશીપ, ઉંચામાળા) તથા સાસરીપક્ષના અન્ય વ્યકિતઓ માલતી સંન્ત્રા,રનજીત સંન્ત્રા (બંને રહે.ઓરિસ્સા, જી. બાલેશ્વર, રેમુના), રસ્મીતા સંન્ત્રા, કમકકાંત સંન્ત્રા(બંને રહે.હૈદરાબાદ), ગોત્તમ સંન્ત્રા(રહે.ઓરિસ્સા, જી. બાલેશ્વર, રેમુના), બીજેન્ત રથ, શ્રીકાંત સ્વાઈન (બંને રહે.અણુમાલા ટાઉનશીપ, ઉંચામાળા) સામે ફરિયાદ કરતા જણાવ્યું છે કે તા.૨૪-૧-૨૫ થી તા.૨૫-0૭-૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પતિ ચંન્દ્રકાંત સંન્ત્રા દ્વારા વારંવાર પત્ની તનુશ્રી મંડલ સાથે મારઝુડ કરી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અન્ય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી તેણીને શારીરીક-માનસિક ત્રાસ આપી જાતિ વિષયક ગાળો બોલી જાહેરમાં અપમાનિત કરી હતી તેમજ તેણી પાસે દહેજની માંગણી કરતા હોવાની ફરિયાદ ઓડીશાના રેમુના પોલીસ સ્ટેશનમાં તેણીએ કરી હતી, જે ઝીરો નંબરથી કાકરાપાર પોલીસ મથકે ટ્રાન્સફર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




