રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને શાળાઓમાં ડ્રોપઆઉટ દર ઘટાડવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં “પ્રગતિનો પ્રવેશોત્સવ” થીમ હેઠળ તા. 23 થી 25 જૂન, 2026 દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે.
વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આ વર્ષની ઉજવણીમાં તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રાજ્ય કક્ષાના વરિષ્ઠ સનદી અધિકારીઓ અને પદાધિકારીઓ રૂબરૂ હાજરી આપી નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે.કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ મિલિંદ તોરવણે, નાણાં વિભાગના સંયુક્ત સચિવ અરવિંદ વી., ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા એમ. તોરવણે, વન વિભાગના પી.સી.સી.એફ. ભવાની પ્રસાદ પતિ, મહેસૂલ વિભાગના નાયબ સચિવ મનોજકુમાર એન. જેઠવા તેમજ નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના અંડર સેક્રેટરી મિત્તલ ડી. બારીયા સહિતના અધિકારીઓ ભાગ લેશે.
આ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ, શિક્ષણ વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની હાજરીમાં બાળકોને પ્રતીકાત્મક રીતે શાળા પ્રવેશ અપાવવામાં આવશે.આ વર્ષે પ્રવેશોત્સવને વિશેષ બનાવતા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું જાહેર મંચ પરથી સન્માન કરવામાં આવશે. 100 ટકા પરિણામ મેળવનાર શાળાઓ, શ્રેષ્ઠ શિક્ષકો, વિવિધ સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉદાર સહયોગ આપનારા દાતાશ્રીઓનું બહુમાન કરાશે.કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત “શિક્ષિત દીકરી, સશક્ત પરિવાર અને સમૃદ્ધ સમાજ”નો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવશે. તાપી જિલ્લો શિક્ષણ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરે અને દરેક બાળક શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાય તે માટે જિલ્લાવાસીઓને આ શિક્ષણયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.




