માર્ગ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. બી. પરધન તથા ડોલવણ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મધુસૂદનભાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અધિકારીઓએ ચાર ચક્રી વાહન ચલાવતા સમયે સીટ બેલ્ટ ફરજિયાત પહેરવા, વાહનોમાંથી કાળા કાચ દૂર કરવા તેમજ દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરવાની સમજ આપી હતી. ઉપરાંત વાહનોના પાછળના ભાગે રેડિયમ અને રિફ્લેક્ટર લગાવવાના મહત્વ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.વાહનચાલકોને પી.યુ.સી., ઇન્સ્યોરન્સ, આર.સી. બુક સહિતના જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તેમજ માર્ગ સુરક્ષા માટે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતે ટ્રાફિક જાગૃતિ અંગેના પેમ્ફલેટનું વિતરણ કરી વાહનચાલકોને માર્ગ સલામતી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.સ્થાનિક લોકો અને વાહનચાલકોએ આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમોને આવકાર આપ્યો હતો.




