નવા વર્ષના પ્રથમ દિવસે બુલેટ ટ્રેનને લઈ મોટું અપડેટ આવ્યું હતું. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમમાં બુલેટ ટ્રેન દોડવાની જાહેરાત કરી હતી. દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027નાં રોજ સુરતથી વાપી વચ્ચે દોડશે.આ પ્રોજેક્ટથી ભારતમાં રેલવે સર્વિસ વિશ્વ સ્તરે પહોંચી જશે. રેલવે હાલ ટ્રેનોને હાઈટેક બનાવવામાં લાગી છે તેવા સમયે જે આ જાહેરાત થઈ છે.રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ જણાવે કહ્યું, બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. સૌથી પહેલા સુરતથી બીલીમોરા વચ્ચેનો સેક્શન શરૂ કરવામાં આવશે. ત્યારબાદ, વાપીથી સુરતનો રૂટ ખુલશે.
આ પછી વાપીથી અમદાવાદનો રૂટ શરૂ થશે, ત્યારબાદ થાણેથી અમદાવાદ અને છેલ્લે મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થશે.ભારતની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે, જેના માટેના કોરિડોરનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે, બુલેટ ટ્રેન કોરિડોરના સ્ટેશનોની આસપાસના વિસ્તારના વિકાસ માટે એક અલગ ઓથોરિટીની રચના કરવામાં આવી છે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કોરિડોર હેઠળ ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપી એમ આઠ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. આ સ્ટેશનોની આસપાસનના વિસ્તારના વિકાસ માટે થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે ગુજરાત હાઈ સ્પીડ રેલ સ્ટેશન એરિયા પ્લાનિંગ ઓથોરિટીની રચના કરી હતી.રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ ગુજરાત હાઈ સ્પીડ રેલ સ્ટેશન એરિયા પ્લાનિંગ ઓથોરિટી તમામ આઠ સ્ટેશનોની આસપાસની જમીનના ઉપયોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે યોજના બનાવશે. જેથી સ્ટેશન સુધી પહોંચવા મુસાફરોને સરળતા રહે અને સ્ટેશનની આસપાસ જ જરૂરી સુવિધાઓ મળી રહે.
આ ઓથોરિટીમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થશે અને રાજ્ય શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ તેના અધ્યક્ષ રહેશે. અહેવાલ મુજબ ઓથોરિટી દરેક આઠ સ્ટેશન માટે વિગતવાર વિકાસ યોજનાઓ તૈયાર કરશે, જેનું અમલીકરણ જેતે સ્ટેશનને સંબંધિત શહેરી વિકાસ અધિકારીઓએ કરવાનું રહેશે. આ ઓથોરિટી સ્ટેશનની આસપાસ ભીડભાડ-ટ્રાફિક ઘટાડવા અને સ્ટેશન સુધી લાસ્ટ માઇલ કનેક્ટિવિટીમાં સુધારો કરવા યોજના બનાવશે, આ ઉપરાંત કમર્શિયલ હબ, કોર્પોરેટ ઓફિસો, હોટલો, હેલ્થ કેર જેવા સુવિધા ઉભી કરવા માટે યોજના બનાવશે.



