સુરત શહેરના પાલમાં સાત યુવકો હાઇબ્રિડ ગાંજાની પાર્ટી કરે તે પહેલાં જ પોલીસે દબોચી લીધા હતા. ચોકબજારમાં પર પાનના ગલ્લા પરથી જ હાઇબ્રિડ ગાંજાનું વેચાણ થતું મળી આવ્યું હતું.
પાલ પોલીસે સાંત્વન સર્કલ પાસે આલેલી ઈવોક બિલ્ડિંગના બીજા માળે રેઈડ કરી હતી. પહેલાં રેસ્ટોરન્ટ ચલાવતો અને થોડાક સમય પહેલાં જ હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાઇ ચૂકેલા જૈનીલ અલ્પેશ સુખડિયાની દુકાનમાં કેટલાક યુવાનો ગાંજાનો દમ મારવા ભેગા થયા હોવાની બાતમી મળી હતી. પોલીસે રેઇડ કરી જૈનીલ અલ્પેશ સુખડિયા (રહે. પ્રેરણા રો-હાઉસ, પાલ), જીગર મોહન પરમાર (કૃતિ રેસી., સિંગણપોર), હસિત શરદ જોષી પૂજા પંચામૃત રેસી., પાલ), કેવિન ડાહ્યા જોશી (રહે. દેવીકૃપા સોસા., ડભોલી રોડ), રચિત મનીષ પાંડવ (રહે. શિલિંગ હાઇટ્સ, જહાંગીરપુરા), રિધમ જયેશ ચૌહાણ (રહે. સાંઈકૃપા સોસા., પાલ) અને ધર્મરાજ ભરત જગડ (રહે. સોહમ એલિંગન્સ, પાલ)ને ઝડપી લીધો હતો. ૧૯ વર્ષીય ધર્મરાજની ઝડતી દરમિયાન તેની પાસેથી ૧૧,૭૬૦ રૂપિયાની કિંમતનો ૩.૯૨ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજો બીજા છ વ્યક્તિઓને સપ્લાય કરવા આવ્યાની કબૂલાત કરી હતી.
ચોકબજાર પોલીસની ટીમે પણ સોમવારે સાંજે સવા નવ વાગ્યે સફળ રેઈડ કરી હતી. મૂળ ભાવનગરનાં વલભીપુરનો વતની અને હાલ સિંગણપોર સિહોરી એપા.માં રહેતો જીતુ નાગજી ધામેલીયા (ઉ.વ. ૫૨) ચોકબજારની હદ વિસ્તારમાં આવેલા જી-વિલા રેસ્ટોરન્ટ નજીક ગોલ્ડન જોન પાન પાર્લર ચલાવે છે. આ પાન સાથે આ શખ્સ ખાસ ગ્રાહકોને હાઇબ્રિડ ગાંજાની પણ મજા કરાવતો હોવાની માહિતીને આધારે રેઇડ કરતાં તેની પાસેથી ૬૯ હજારની કિંમતનો ૨૩ ગ્રામ હાઇબિડ ગાંજો મળી આવ્યો હતો. ગાંજા વેચાણના રોકડા રૂપિયા ૩૫ હજાર પણ પોલીસે કબજે લીધા હતા. જીતુનો દીકરો બીબીએ ભણેલો છે. પુત્રને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલવા જીતુ ગાંજાનો વેપલો કરતો થઇ ગયો હતો.તલંગપુર રોડ, માંગીલાલની ચાલમાં સચિન જી.આઈ.ડી.સી. પોલીસે રેઇડ કરી હતી. અહીંથી ૩૬ હજારની કિંમતનાં ૭૨૦ ગ્રામ ગાંજા સાથે અજય બુધુ મંડળ (ઉ.વ. ૨૭)ની ધરપકડ કરી હતી. ચોથી રેઇડ પુણા પોલીસે ઉમરવાડા, સંજયનગર ઝૂંપડપટ્ટીમાં કરી હતી. અહીં રહેતા વિષ્ણુ ઉર્ફે સૂર્યો મધુકર જાધવ (ઉ.વ. ૨૫) પાસેથી ૧.૯૫૦ રૂપિયાની કિંમતનો ૧૩૦ ગ્રામ ગાંજો કબજે કરાયો હતો.



