Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News : રાજ્ય સરકાર પ્રેમ લગ્ન કરનારા યુગલો માટે લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં, કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ મંજૂરી માટે મૂકવામાં આવશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં પ્રેમી યુગલ દ્વારા ભાગીને કરવામાં આવતા પ્રેમ લગ્ન મોટો ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારે થતા પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજુરી ફરજીયાત બનાવવા મુદ્દે પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ સરકારને રજુઆત કરી હતી. હવે આ મામલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે, રાજ્ય સરકાર પ્રેમ લગ્ન કરનારા યુગલો માટે લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે.

નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, હવે લગ્ન રજિસ્ટ્રેશન કરાવતા પહેલા માતા-પિતાને જાણ કરવી ફરજિયાત બનશે. સરકાર બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં આ સુધારેલા નિયમો રજૂ કરી શકે છે. જેમાં મુખ્યત્વે યુવતીના માતા-પિતાને નોટિસ મોકલવી, તેમને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવો અને યુવતીના સ્થાનિક વિસ્તારમાં જ નોંધણી કરાવવી જેવા કડક નિયમોનો સમાવેશ થાય છે.

પ્રેમલગ્ન અને ખાસ કરીને માતા-પિતાની મંજુરી વિના ભાગીને થતા લગ્નોના કિસ્સામાં કાયદાકીય ગાળિયો કસવાની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર લગ્ન નોંધણી અધિનિયમમાં ઐતિહાસિક સુધારા કરવા જઈ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ નવા કાયદાનો ડ્રાફ્ટ (ખરડો) તૈયાર કરવામાં આવશે. જો બધું આયોજન મુજબ રહ્યું, તો આવતીકાલે મળનારી રાજ્ય મંત્રીમંડળની (કેબિનેટ) બેઠકમાં આ પ્રસ્તાવ મંજૂરી માટે મૂકવામાં આવી શકે છે.નવા સુચિત નિયમો મુજબ, હવેથી જ્યારે કોઈ યુગલ ભાગીને લગ્ન કરશે અને નોંધણી માટે અરજી કરશે, ત્યારે રજિસ્ટ્રાર કચેરી દ્વારા સૌથી પહેલા તેમના માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસનો જવાબ આપવા માટે વાલીઓને 30 દિવસનો સમય આપવામાં આવશે. જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી લગ્નનું પ્રમાણપત્ર ઈશ્યુ કરવામાં આવશે નહીં. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય માતા-પિતાને અંધારામાં રાખીને થતા લગ્નો પર રોક લગાવવાનો અને પારદર્શિતા લાવવાનો છે.

બીજો સૌથી મોટો ફેરફાર લગ્ન નોંધણીના સ્થળ અંગે કરવામાં આવશે. અત્યાર સુધી યુગલો ભાગીને કોઈપણ જિલ્લામાં જઈને લગ્ન નોંધણી કરાવી લેતા હતા. પરંતુ હવે નવા નિયમ મુજબ, યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, તે જ વિસ્તારની સંબંધિત કચેરીમાં લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત બનશે. આનાથી યુવતીના પરિવારજનોને જાણ થયા વિના બીજા જિલ્લામાં છૂપી રીતે થતા રજિસ્ટ્રેશન પર બ્રેક લાગશે.કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો લાંબા સમયથી આ સુધારાની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓમાં હાલની કાયદાકીય છટકબારીઓનો લાભ લેવામાં આવતો હતો, જેનાથી પરિવારો તૂટી રહ્યા હતા. આ નવા નિયમો સામાજિક માળખાને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!