અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તાર નજીક સાબરમતી નદીમાં આજે એક દુઃખદ ઘટના બની છે. જેમાં એક મહિલાએ પોતાની નાની બાળકીને સાથે લઈને સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં માતાનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. જ્યારે બાળકીને સમયસર બચાવી લેવામાં આવી છે.
ઘટના બપોરના સમયે બની હતી. જ્યારે એક મહિલાએ પોતાની બાળકીને સાથે લઈને સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મહિલાની અને નાની બાળકીની મદદે આવી પહોંચ્યા હતા. ત્યાં હાજર લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ માટેની કામગીરી હાથ ધરી હતી.
ભારે જહેમત બાદ બાળકીને નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી હતી. ત્યાર બાદ બાળકીને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ : જોકે બાળકીની માતાનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિણીતાએ કયા સંજોગોમાં આટલું ગંભીર પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.




