દક્ષિણ મેક્સિકોમાં રવિવારે એક ટ્રેન અકસ્માત સર્જાયો હતો, જેમાં પેસિફિક મહાસાગરને ગલ્ફ ઓફ મેક્સિકો સાથે જોડતી ‘ઇન્ટરઓશનિક ટ્રેન’ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોતના અહેવાલ છે, જ્યારે ૯૮ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, ટ્રેન જ્યારે ઓક્સાકા અને વેરાક્રુઝની સરહદ પર આવેલા નિઝાન્ડા શહેર નજીક એક વળાંક પરથી પસાર થઈ રહી હતી, ત્યારે તે પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત સમયે ટ્રેનમાં ૨૪૧ મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર્સ સવાર હતા.
ઓક્સાકા રાજ્યના ગવર્નર સાલોમન જારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતા જ અનેક સરકારી એજન્સીઓ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અકસ્માતને કારણે આ વ્યસ્ત રેલવે લાઇન પરનો વાહનવ્યવહાર હાલ પૂરતો થંભી ગયો છે.નોંધનીય છે કે, આ ઇન્ટરઓશનિક ટ્રેનનું ઉદ્ઘાટન વર્ષ ૨૦૨૩માં તત્કાલીન રાષ્ટ્રપતિ આન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટ્રેન પ્રોજેક્ટ મેક્સિકો સરકારના ‘ઇસ્થમસ ઓફ તેહુઆન્ટેપેક’ વિસ્તારને વિકસાવવાના એક મોટા અભિયાનનો ભાગ છે. સરકાર આ સાંકડા જમીન માર્ગને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે એક વ્યૂહાત્મક કોરિડોર તરીકે વિકસાવવા માંગે છે, જેથી એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરી શકાય.હાલમાં આ ટ્રેન પેસિફિક મહાસાગર પર આવેલા સલિના ક્રુઝ બંદરથી કોત્ઝાકોઆલ્કોસ સુધીનું અંદાજે ૨૯૦ કિલોમીટરનું અંતર કાપે છે. આ એક અત્યંત મહત્વકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માનવામાં આવે છે, પરંતુ આ અકસ્માતે રેલવે સુરક્ષા અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.



