વિદેશની મોટી હોટેલમાં સારા પગારની નોકરીની લાલચ આપી ૧૦૦થી વધુ નોકરી ઇચ્છુક ઉમેદવારો સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. આરોપીઓએ મલાડમાં બનાટવી પ્લેસમેંટ એજન્સી શરૂ કરી ઉમેદવાર દીઠી ચાર-ચાર લાખ રૂપિયા વસુલ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ત્રણ વ્યક્તિઓ સામે મલાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, આરોપીઓએ મલાડના એક મોલમાં એરોન ઓવરસીઝ નામે પ્લેસમેંટ એજન્સી શરૂ કરી હતી.
મુંબઇની એક ફાઇવસ્ટાર હોટેલમાં નોકરી કરતા ફરિયાદીએ પણ વધુ સારા પગાર સાથે વિદેશની હોટેલમાં નોકરી મેળવવા આરોપીને ચાર લાખ રૃપિયા ચુકવ્યા હતા. જોકે છ મહિના સુધી ફરિયાદીને નોકરી ન મળતા આરોપીઓએ તેને વધુ ૧.૮૦ લાખ રૃપિયા ચૂકવવા જણાવ્યું હતું આ રકમ પણ ફરિયાદીએ ભરી દીધી હતી. ત્યાર બાદ આરોપીને વોટ્સએપ પર અમૂક કાગળીયા સાથે રેસીંડેન્ટ વિઝા અને ઓફર લેટર મોકલી આપવામાં આવ્યા હતા.
ફરિયાદીને આ બાબતે શંકા જતા તેણે લકઝમબર્ગમાં આવેલી પ્રખ્યાત ફાઇવસ્ટાર હોટેલનો સંપર્ક કરતા આ પ્રકારની કોઇ નોકરી માટે કોઇ સાથે કોઇ વાતચીત થઇ નથી અને હાલ નોકરીની કોઇ તક ઉપલબ્ધ ન હોવાની ચોખવટ ક રી હતી.આરોપીઓએ સોશિયલ મીડિયા પર વિદેશની ફાઇવસ્ટાર હોટેલમાં ડ્રાઇવર, કીચન સાફ, કુક, હાઉસ કીપિંગ, સ્ટોરકીપર જેવી પોસ્ટ માટે જાહેરાત કરી ઘણા લોકો સાથે આ રીતે ઠગાઇ કરી હોવાનું જાણ્યા બાદ છેતરાયેલા ફરિયાદીએ મલાડ પોલીસ મથકમાં ફરિયાદ કરતા મલાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
