રાજકોટમાં ગોંડલમાંની જામવાડી જીઆઈડીસીમાં ધાણા કલીનિંગ અને પ્રોસેસિંગ કરતી ઊંઝા સ્થિતપેઢીના મેનેજરે રૂ.1.90 કરોડના ધાણા બારોબર વેંચી નાખી છેતરપિંડી થયાની ગોંડલના બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ ઉચાપતની પેઢીના માલિકને જાણ થતાં મેનેજરે ઉચાપત કરેલ રૂ.૧.૯૦ કરોડની રકમ પૈકી ૯૮ લાખની કિંમતનો પ્લોટ લખી આપ્યો હતો. બાકીની રકમ પરત આપવા માટે વાયદો કર્યા પછી ૯૨ લાખ રૂપિયા પરત નહીં આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના ઊંઝામાં ‘લાભ એન્ટરપ્રાઈઝ’ નામની પેઢી ચલાવતાં પીયુષભાઈ ગોવિંદભાઈ પટેલે ગોંડલની બ્રાન્ચ પેઢીના મેનેજર ઉંઝાના વતની અને હાલ ગોંડલ રહેતાં રાજપૂત ગોબરસિંહ નાગજીભાઈનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પેઢીના પ્રોપરાઈટર પીયુષભાઈના કાકાના પુત્ર નિરવ પટેલ છે મેનેજર તરીકે છેલ્લા 12 વર્ષથી ગોબરસિંહ નોકરી કરે છે. મેનેજરને ગોંડલ નજીકના સેન્ટરોમાંથી ધાણા ખરીદ કરવાની છુટ આપી હતી. તે ખેડૂતો અથવા બીજી પેઢી પાસેથી ધાણા ખરીદ કરી કાચી ચીઠ્ઠી ઉંઝા ખાતે મોકલી આપતો હતો.
ગત વર્ષની તારીખ 12-3-2024 નાંરોજ પિયુષભાઈએ પેઢીનાં એકાઉન્ટ વિભાગમાં હિસાબ ચેક કરતાં સ્ટોકમાં ગરબડ હોવાની શંકા જતાં તેમના કાકાના પુત્ર પ્રોપરાઈટર નિરવ પટેલને આ બાબતે ખરાઈ કરવા જણાવ્યું હતું. એ પછી નિરવનો બે દિવસ બાદ હિસાબ ચેક કરતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેઢીના મેનેજર ગોબરસિંહે વર્ષ 2023-24માં કુલ 6472 બોરી ધાણા જેનું વજન 2,58,961/- કિલો થતું હતું. જેની કિંમત રૂ.1.90 કરોડ થાય છે. તે બારોબાર વેંચી નાખ્યાનું સામે આવતાં ગોબરસિંહ પાસે આ બાબતના પૈસા પરત માંગતાં તેણે ગોંડલના ગુંદાળા રોડ પર 280 વારનો 98 લાખની કિંમતનો પ્લોટ લખી આપવા અને બાકીનાં રૂપિયા 92 લાખ હપ્તેથી ચુકવી આપવાની ખાતરી આપી હતી. પરંતુ એ પછી રકમ કે પ્લોટનો પાકો દસ્તાવેજ નહીં કરી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
