વ્યારાનાં ઘાટ ગામની મહિલા અને પરિવારના ૨૨ લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી વિશ્વાસમાં લઈ મહારાષ્ટ્રનાં થાણે ખાતે હેડ ઓફિસ ધરાવતી માતૃભૂમિ ઈન ફાઈનાન્સ કંપનીમાં કુલ રૂપિયા ૩૧.૭૫ લાખનું રોકાણ કરાવી પાકતી મુદ્દત સાથેની રકમ તથા રોકાણ કરેલી મૂળ રકમ પરત ન કરતા કંપનીના મેનેજીગ ડિરેક્ટર, વ્યારા ઓફિસના મેનેજર સહિત કુલ ૭ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ઘાટ ગામે ઝાડ ફળિયામાં રહેતા પાલીબેન ઉગડાભાઈ ચૌધરી (ઉ.વ.૬૦) જુદી-જુદી સ્કીમોમાં રોકાણ કરી ઉંચુ વ્યાજની ઓફર કરતી મહારાષ્ટ્ર સર વાડાવાલી, થાણે વેસ્ટ ખાતે ઘોડબંદર રોડ ખાતે યશરાજ પાર્કમાં હેડ ઓફિસ ધરાવતી ફાઇનાન્સ કંપની માતૃભૂમિ ઈનમાં એજન્ટ તરીકે વર્ષ ૨૦૦૩ દરમિયાન જોડાઈ હતી.
વ્યારા ખાતે સિટીમોલ ખાતે ચોથા મળે પણ તેની બ્રાંચ ખોલી હતી. માતૃભૂમિ ઈન કંપની તથા માતૃભૂમિ રિયલટેક કંપનીની બ્રાન્ચમાં પાલીબેન ચૌધરી પોતે શાખાનું સંચાલન સાથે ગ્રાહકોને બચત ખાતા, ફિક્સ ડિપોઝિટ જેવી અલગ-અલગ સ્કીમોમાં રોકાણ કરાવી સ્કીમનાં નાણાં જમા કરાવતા હતા. તેમજ કંપનીમાં ઉંચુ વ્યાજ મળતા લાલચમાં આવી વર્ષ ૨૦૧૧ દરમિયાન પાલીબેન સહિત પરિવારના ૨૨ લોકોએ પણ ખાતા ખોલાવી કુલ રૂપિયા ૩૧,૭૫,૬૬૦/-નું રોકાણ કર્યું હતું. વર્ષ ૨૦૧૭ દરમિયાન નોટબંધી થતા કંપનીના ડિરેક્ટર અને સંચાલકોએ ગ્રાહકોના નાણાં લેવાનું બંધ કર્યું હતું અને ગ્રાહકોને પાકતી મુદ્દતે ચૂકવવાના થતા નાણાં પણ ચૂકવવાના બંધ કર્યા હતા. નોટબંધી સરળ થતા જ નાણાં ચુકવવામાં આવશે એમ ડિરેક્ટરો જણાવતા હતા.
તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ગ્રાહકોને નાણાં પરત મળશે એવી પેપેરમાં જાહેરાત પણ કંપનીએ કરી હતી. જેથી પાલીબેન સહિત પરિવારજનો પોતાના રોકાણ કરેલા પાકતી મુદતના કુલ રૂપિયા ૫૭,૬૫,૩૨૯/- મેળવવા પેપરમાં જાહેર કરેલી તારીખે લેવા વ્યારા ખાતેની બ્રાંચમાં આવતા બ્રાન્ચને ખંભાતી તાળા લાગ્યા હતા. ત્યારબાદ પણ થોડો સમય રાહ જોયા બાદ કંપનીનાં કોઈ પણ વ્યક્તિ ફોન ન ઉપાડતા નાણાં ડૂબી જવાના ડરે પાકતી મુદતનાં પુરા રૂપિયા અથવા તો મુદ્દલ રૂપિયા ૩૧,૭૫,૬૬૦/- ફરી મળે તે માટે તમામના પ્રમાણપત્ર મેળવી પાલીબેન ચૌધરીએ વ્યારા પોલીસમાં હેઠ ઓફિસના મેનેજીંગ ડિરેક્ટર અને ડિરેક્ટરો તથા બ્રાન્ચ મેનેજર મળી કુલ ૭ લોકો સામે છેતરપિંડી કર્યાની ફરિયાદ આપી હતી. આમ, પોલીસે ગુન્હામાં સંડોવાયેલ પ્રદીપ રવીન્દ્રભાઈ ગર્ગ (કંપનીના મેનેજીંગ ડિરેક્ટર, રહે.૧૪૦૧,મીરા રોડ, તમિલ ચર્ચની બાજુમાં, સાગર કોમ્પ્લેક્સ, થાણે, મહારાષ્ટ્ર), સંજય હેમંતભાઈ બિસ્વાસ (ડિરેક્ટર, રહે,૪૦૪૯૪, હેપ્પી હોમ એસ્ટેટ પાસે, સાગર કોમ્પ્લેક્સ, મીરા રોડ, થાણે, મહારાષ્ટ્ર), મિલિન્દ અનંતભાઈ જાદવ (ડિરેક્ટર રહે.પેટ્રોલ પંપ પાસે, જીવન પ્રીત સોસાયટી, ટેકડી બંગલો, થાણે, મહારાષ્ટ્ર), વિનોદ વજીરભાઈ પટેલ (ડિરેક્ટર રહે.ચપાળ ફળિયું સુખાલા, તા.કપરાડા જી.વલસાડ), મહેનુ પાલ શાખા, નવીનભાઈ બિસરા (એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, રહે.નાનાપોંઢા, તા.કપરાડા, વલસાડ) અને અનિલભાઈ મગનભાઈ ગામીત (વ્યારા શાખાના બીજા મેનેજર, રહે.હનુમંતિયા,તા.સોનગઢ)નાંઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
