તાપી જિલ્લાનાં કુકરમુંડાનાં મટાવલ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્ર રાજ્યનાં તલોદાથી તરફથી આવતા એક ટ્રકમાંથી પ્લાસ્ટિકનાં પેકેજીંગ ડ્રીન્કિંગ વોટર બોટલો તેમજ ઠંડા પીણા પ્લાસ્ટિકની બોટલોની આડમાં રૂપિયા ૧૩,૩૪,૪૦૦/-નો ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ પોલીસે વાહન ચેકીંગમાં પકડી પાડ્યો હતો, જયારે ટ્રક ચાલકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, કુકરમુંડા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુન્હા અંગે મટાવલ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્ર રાજ્યનાં તલોદાથી આવતા વાહનો રોકી વાહન ચેકિંગની કામગીરી કરતા હતા.
તે દરમિયાન એક આઈસર ટ્રક નંબર એમએચ/૧૮/બીજી/૮૮૫૧નો ચાલકે આગળ વાહન ચેકિંગ જોઈ અચાનક ટ્રક ઉભી રાખી અને ટ્રકને રીવર્સ કરી તલોદા તરફ ભાગવા જતાં ટ્રક નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. જોકે ટ્રકનો ચાલક અંધારાનો લાભ ઉઠાવી શેરડીનાં ખેતરમાંથી ભાગી છૂટ્યો હતો.
ત્યારબાદ પોલીસે ટ્રકને ક્રેનની મદદથી બહાર કાઢી ચેક પોસ્ટ પર લાવી ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં તપાસ હાથ ધરતા ટ્રકમાંથી પ્લાસ્ટિકના પેકેજીંગ ડ્રીન્કિંગ વોટર બોટલો તેમજ ઠંડા પીણા પ્લાસ્ટિકની બોટલોની આડમાં ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂનાં ખાખી બોક્સ નંગ ૨૭૮ જેમાં એક બોક્સમાં ૪૮ નંગ બાટલી મળી કુલ બોટલ ૧૩,૩૪૪ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧૩,૩૪,૪૦૦/- હતી. આમ, પોલીસે રૂપિયા ૧૩,૩૪,૪૦૦/-નો ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ અને ટ્રક મળી કુલ રૂપિયા ૨૩,૩૪,૪00/-થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે ટ્રકનો ચાલક ટ્રકમાંથી નીચે ઉતરી રોડની બાજુમાં આવેલ શેરડીનાં ખેતરમાં અંધારાનો લાભ ઉઠાવી ભાગી છુટતા તેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.




