સૌરાષ્ટ્રનાં દરિયામાંથી ડ્રગ્સનો કરોડો રૂપિયાનો જથ્થો મળી આવવાનો સિલસિલો ફરી ચાલુ થઈ ગયો છે. કચ્છ અને ગીર સોમનાથ બાદ હવે દ્વારકા જિલ્લાના સંવેદનશીલ દરિયાકિનારે બીનવારસુ હાલતમાં માદક દ્રવ્યોનો જથ્થો મળતા પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. જેમાં કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગુરૂવારે સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નશાકારક પદાર્થનો જથ્થો સાંપળ્યો છે. આ પ્રકરણમાં પોલીસે 13.239 કિલોગ્રામના 10 પેકેટ ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં જપ્ત કરી, કુલ રૂપિયા 6.62 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ ભાટિયા આઉટ પોસ્ટ હેઠળ આવતા દરિયાકાંઠા વિસ્તારમાં ગઈકાલે ગુરૂવારે સાંજના સમયે પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. 
આ સ્થળેથી રૂપિયા 6.61 કરોડની કિંમતનો 13.239 કિલોગ્રામ ચરસનો જથ્થો મળ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી, ચરસનો આ જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જેમાં કોઈ શખ્સો પોતાના અંગત ફાયદા માટે માદક પદાર્થ ચરસની હેરાફેરી કરીને કોઈપણ કારણોસર દરિયામાં અથવા દરિયા કાંઠે પકડાઈ જવાના ડરથી આ જથ્થો ત્યજી દીધો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. નોંધનીય છે કે, ગત વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકાંઠે સમયાંતરે કરોડો રૂપિયાનો ચરસનો બીનવારસુ જથ્થો ઝડપાતો રહ્યો હતો. બાદમાં ચાલુ વર્ષે ડ્રગ્સમાફિયા ચેતી ગયા હોય એમ ખુબ ઓછા પ્રમાણમાં ડ્રગ્સનાં બીનવારસુ પેકેટ પકડાયા છે. જો કે, થોડા સમયનાં અંતરે જ પહેલા કચ્છ બાદ તાજેતરમાં વેરાવળ અને હવે દ્વારકા જિલ્લાનાં દરિયાકિનારે ચરસનાં પેકેટ તણાઈ આવતા ડ્રગ્સ માફિયા ફરી સક્રીય બન્યાની આશંકા સેવાઈ રહી છે. જો કે, ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિ વચ્ચે દરિયાઈ સરહદે સુરક્ષા એજન્સીઓ તૈનાત છે ત્યારે ડ્રગ્સના પેકેટ તણાઈ આવવાથી કોઈ સ્થાનિક ઈસમોએ પકડાઈ જવાના ડરથી આ જથ્થો ત્યજી દીધો હોવાની પણ શક્યતા નકારી શકાતી નથી.




