દેશનાં મિઝોરમ, અસમ, મણિપુરથી લઈને ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશ સુધીના રાજ્યોમાં વરસાદના કારણે ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક ફ્લેશ ફ્લડ આવ્યું છે. આ વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે 25 લોકોનાં મોત નીપજ્યાં છે. પૂર્વોત્તર ભારતમાં મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા તૂટી ગયા છે અને ભૂસ્ખલન તથા ફ્લેશ ફ્લડના કારણે અનેક મકાનો તૂટી પડયા છે, જેના પગલે 12,000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે અને સેંકડો લોકો વિવિધ સ્થળો પર ફસાયા હોવાની આશંકા છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ભયાનક વરસાદની ચેતવણી આપી છે. અરૂણાચલ પ્રદેશમાં ભૂસ્ખળનના કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના અનેક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. એનએચ 13 પર અચાનક ભૂસ્ખલનના કારણે એક વાહન તણાઈ ગયું હતું, જેથી તેમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતા. સરકારે લોકોને રાતના સમયે પ્રવાસ નહીં કરવા સલાહ આપી છે.
જેમાં એક જ પરિવારના ત્રણ લોકો પણ સામેલ છે. આ સિવાય ગોલાઘાટ જિલ્લામાં બે અને લખીમપુરમાં એક વ્યક્તિ મૃત્યુ પામી હતી. અગરતલામાં હાવડા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ત્રિપુરામાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હોવાના સમાચાર છે. અનેક સ્થળો પર વૃક્ષો તૂટી પડતા રસ્તામાં અવરોધો ઊભા થઈ ગયા છે. મણિપુરમાં પણ નદીઓ જોખમના સ્તરથી ઉપર વહી રહી છે.
ઈમ્ફાલ પૂર્વમાં અનેક વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ઈમ્ફાલના પશ્ચિમ જિલ્લામાં 197.8 મીમી વરસાદ નોંધાયો હતો. આસામમાં પણ છેલ્લા 24 કલાકમાં છ જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે ભૂસ્ખલન થતાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા તથા 10,000થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હતા. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. દરમિયાન રાજસ્થાનમાં અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો, જેના પગલે નૌતપાના સમયમાં પણ સ્થાનિક લોકોને હીટવેવ અને ગરમીથી રાહત મળી છે.
