ઈઝરાયેલમાં પ્રજાના વિરોધનો સામનો કરી રહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લગભગ બે મહિનાથી હમાસ સાથે ચાલતા યુદ્ધવિરામને બાજુ પર મુકી ગાઝા પર હુમલાનો આદેશ આપ્યો હતો, જેના પગલે ઈઝરાયેલની સેનાએ સોમવારે મોડી રાત પછી રમઝાન મહિનામાં જ ગાઝા પર યુદ્ધવિરામ બાદની સૌથી મોટી એરસ્ટ્રાઈક કરતાં હમાસની સરકારના વડાપ્રધાન ઈસ્સામ અલ-દાલિસ સહિત ૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. આ સાથે હમાસે પણ યુદ્ધવિરામના અંતની જાહેરાત કરતાં તેણે બધા જ બંધકોની હત્યા કરી નાંખવાની ચેતવણી આપી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ કરાવી શાંતિની વાતો કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં શાંત થઈ ગયેલા યુદ્ધમાં પલિતો ચાંપતા ઈઝરાયેલને ગાઝામાં ફરી યુદ્ધની મંજૂરી આપી દીધી. 
આ સિવાય ૫૬૨થી વધુ ઘાયલ થયા છે. ઈઝરાયેલના હવાઈ હુમલા પછી ગાઝાની નાસીર હોસ્પિટલ ઈજાગ્રસ્તોથી ઊભરાઈ ગઈ હતી. હોસ્પિટલના સર્જને ઈઝરાયેલ પર ગાઝાવાસીઓના ‘સંપૂર્ણ નરસંહાર’નો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, તમે ટેન્ટ્સ પર બોમ્બ નાંખો ત્યારે આવું જ થાય છે. ડો. ફીરોઝ સિધવાએ કહ્યું કે, તેમણે રાતમાં છ ઓપરેશન કર્યા, જેમાંથી અડધા ઓપરેશન છ વર્ષથી નાની વયના બાળકોના હતા. ઈઝરાયેલે ઉત્તરીય ગાઝા પટ્ટી ખાલી કરવાનો આદેશ આપી દીધો છે. ઈઝરાયેલનો આશય હમાસને જડમૂળથી ઉખાડી ફેંકવાનો છે. હમાસ સાથેના યુદ્ધવિરામ પછી બે મહિનામાં ઈઝરાયેલનો આ સૌથી મોટો હવાઈ હુમલો છે.
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે, બંને પક્ષો વચ્ચે બીજા તબક્કાના યુદ્ધવિરામની મડાગાંઠનો ઉકેલ આવી રહ્યો નહીં હોવાથી તેમણે આ હુમલો કર્યો હતો. ઈઝરાયેલે કહ્યું કે, હવાઈ હુમલાની સાથે આગામી સમયમાં ગ્રાઉન્ડ હુમલા પણ ફરી શરૂ થઈ શકે છે. નેતન્યાહુની ઓફિસે આ હુમલા માટે હમાસને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે, હમાસ સતત યુદ્ધવિરામના બીજા તબક્કાની દરખાસ્તો નકારી રહ્યું છે અને ગાઝામાં બાકીના બંધકોને છોડવાનો ઈનકાર કરી રહ્યું છે. હમાસ પાસે હજુ પણ ૨૫૦માંથી ૫૯ જેટલા બંધકો છે.
બીજી બાજુ હમાસે આ હુમલાને સંઘર્ષવિરામની સમજૂતીનો એકતરફી ભંગ ગણાવ્યો હતો. હમાસે કહ્યું કે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ અને તેમની કટ્ટરવાદી સરકારે યુદ્ધવિરામ રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે બંધકોનું ભવિષ્ય મુશ્કેલીમાં મુકાઈ શકે છે. હમાસે આરબ અને મુસ્લિમ દેશોના લોકો તેમજ સમગ્ર દુનિયાના ‘સ્વતંત્ર લોકો’ને રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી છે. પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ (પીઆઈજે) સશસ્ત્ર જૂથે પણ ઈઝરાયેલ પર યુદ્ધવિરામની વાટાઘાટો ઈરાદાપૂર્વક ખતમ કરવાનો આક્ષેપ કર્યો છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પહેલો તબક્કો ૧ માર્ચે ખતમ થઈ ગયો છે. પહેલા તબક્કામાં હમાસે ૩૩ બંધકો છોડયા છે. બીજીબાજુ ઈઝરાયેલે ૨,૦૦૦થી વધુ પેલેસ્ટાઈન કેદીઓને છોડી મુકવા પડયા છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના બીજા તબક્કાની વાટાઘાટો હજુ શરૂ થઈ નહોતી. આ તબક્કામાં ૬૦ બંધકોને છોડી મૂકવાના હતા.



