તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના કેટલાંક ગામોમાં બુધવારની રાત્રિએ અચાનક ગાજવીજના કડાકા-ભડાકા સાથે ચોમાસાની માફક વરસાદ શરૂ થતા ખેડૂત પરિવારોએ ખુલ્લા આકાશ નીચે મૂકેલો ઘાસચારો તેમજ ખોળીઓમાં મૂકેલા રવીપાકોને ભીંજાતા બચાવવા દોડધામ કરી મૂકી હતી. 
તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે બુધવારે અસહ્ય તાપ તેમજ ગરમ લૂથી જનજીવન ત્રસ્ત થયું હતું. મોડી રાત્રિએ ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના કેટલાંક ગામોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં થતા ખેડૂતોના રવીપાકો જેવા કે મગ, ચણા, ઘઉં, એરંડા, શિયાળુ જુવાર, તુવેર કે અન્ય પાકોને ભીંજાતા બચાવવા રાતના અંધારામાં જ દોડધામ કરી મૂકી હતી. રાત્રિ દરમિયાન અચાનક વરસાદી ઝાપટાં થતા તેમજ ખેતરો દૂર હોય કેટલાંક ખેડૂતોના પાકો ભીંજાઈ ગયા હતા. પાક ભીંજાઈ જવાથી તેમનું હવે બજાર મૂલ્ય ઘટી જાય છે.
જો બજાર કિંમતમાં ઘટાડો થાય તો આર્થિક આવક ઓછી થવાથી ખેતીમાં કરેલા ખર્ચા જેવા કે મોંઘા બિયારણ, દવા-ખાતર, નીંદામણ, ખેડાણ ખર્ચ, મજૂરીખર્ચ માથે પડે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. પશુપાલકોની પણ ચિંતા કમોસમી વરસાદે વધારી દીધી હતી. પશુપાલકોએ પોતાના જાનવરો માટે એકત્રિત કરી રાખેલો ઘાસચારો કેટલાકે પોતાના ખેતરોમાં જ રાખ્યો હોય જેને વરસાદથી બચાવવા ખેડૂત પરિવારોએ તાડપત્રી કે પ્લાસ્ટિક ઓઢાડીને ભીંજાતા બચાવવાના પ્રયાસ કર્યા હતા. જો ઘાસચારો ભીંજાઈ જાય કે તેમાં ફૂગ ચઢી જાય તો નકામો બનવા સાથે પશુઓના પેટ કઈ રીતે ભરવા તે પ્રશ્ન પશુપાલકોમાં પ્રવર્તી હતી. સદ્દનસીબે વરસાદના છૂટાછવાયા ઝાપટાં જ આવતા વધુ નુકસાન થતા રહી ગયું હતું. હજુ તો આ વિસ્તાારમાં રવીપાકોની લણણી કાર્ય શરૂ થયું છે ત્યાં કમોસમી વરસાદે ચમકારો આપતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.(file photo)



