મહીસાગરનાં વિરપુર તાલુકાનાં નાડા ગામ ખાતે રાત્રીના સમયે પુત્રએ જ માતાની હત્યા કરી દીધી હતી. જમવાનું બનાવી આપવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી કરી ઝગડો કરી અંતે માતાને મોતને ઘાટ ઉતારનાર આરોપીને ગણતરીના દિવસોમાં વિરપુર પોલીસે ડુંગરાળ જંગલમાંથી ઝડપી લીધો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાડા ગામે તારીખ 21મીની રાત્રીના આશરે 10 વાગ્યના સુમારે પુત્ર પર્વત ઉર્ફે લાલો રમેશભાઇ માલીવાડ (ઉ.વ.20) બહાર ગામથી આવી પોતાની માતા પાસે ખાવાનું માગતા તેની માતા મધીબેને ખાવાનું તૈયાર નથી, બનાવી આપું છું તેવી વાત કરતા પુત્રએ ઉશ્કેરાઇ જઇ પોતાની માતા મધીબેન તથા પિતા રમેશભાઇ સાથે ઝગડો કરી તૈયારીમાં ખાવાનું બનાવી આપો નહીં તો ટાંટીયા તોડી નાખીશ તેવી ધમકી આપી તેના પિતાને મારવા ધસી ગયો હતો.
પિતા રમેશભાઇ પુત્રના મારથી બચવા માટે નજીકમાં આવેલા જંગલ તરફ જીવ બચાવી ભાગી ગયા હતા. ત્યારબાદ પુત્રએ તેની માતા મધીબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. નજીકમાં રહેતો કાકાનો છોકરો ભરતભાઇ મધીબેનને છોડાવવા માટે વચ્ચે પડતા પર્વતે તેને પણ ગડદાપાટુનો મારમારી કાઢી મુક્યો હતો. બાદમાં પુત્ર પર્વતે તેની માતા મધીબેનને માથાના ભાગે એક ફટકો માર્યો હતો. બાદમાં ખાટલામાં જઈ પુત્ર સુઈ ગયો હતો.
બીજા દિવસ માતા મૃત હાલતમાં હતા, જેથી તેણે માતાના મૃતદેહને ઉપાડીને ઘરમાં પડેલા એક ખાટલામાં સુવડાવીને ભાગી ગયો હતો. ત્યારબાદ મૃતક મધીબેનના પતિ રમેશભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં આરોપી પુત્ર પર્વતને નાડા ગામના ડુંગરાળ ગાઢ જંગલમાંથી પોલીસે દબોચી લીધા બાદ પૂછપરછ કરતા પોલીસની હિલચાલ દેખાય ત્યારે પોતે ગાઢ જંગલમાં છુપાઈ જતો અને રાતે બહાર આવી નજીકમાં આવેલી નદીના કિનારે જઈ સૂકા નાળિયેલ શોધી તોડીને ખાઈને રહેતો હતો. આમ વિરપુર પોલીસે માતાની કરપીણ હત્યા કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




