નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ.દર્શનાબેન દેશમુખે ઉપસ્થિત રહી રાજપીપલા નગર પાલિકા સહિત પોતાના મતવિસ્તારના પ્રજાના પ્રશ્નોની આ બેઠકમાં રૂબરૂ પરામર્શ અને નિરાકરણ માટે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખે રાજપીપલા નગર પાલિકા વિસ્તારના પ્રશ્નો, કારમાઈકલ બ્રિજના સમરકામ કરતી એજન્સી, રાજપીપલા-રામગઢને જોડતા બ્રિજમાં થયેલી ક્ષતિ બાદ તેના દુરસ્તીકરણના પ્રશ્નો, નર્મદા જિલ્લામાં કાર્યરત ખાનગી નર્સિંગ કોલેજોની કાયદેસરતા અંગેના વેરિફિકેશન, સિવિલ હોસ્પિટલમાં પ્રસુતા મહિલાના મૃત્યુ પાછળના જવાબદાર કારણો અને ભવિષ્યમાં તે બાબતોનું પુનરાવર્તન ન થાય તે માટે પુરતી તકેદારી રાખવી તેમજ નગર પાલિકા વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રોના બાંધકામ અંગેના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જનપ્રતિનિધિ અને પ્રજા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઉકેલ લાવવા તેમજ જનપ્રતિનિધિઓના પરામર્શમાં રહીને યોગ્ય જવાબ મળે, તેમના સૂચનોને ધ્યાને લેવા જણાવ્યું હતું. વિકાસના કામો નિયમ ગાઈડલાઈન મુજબ, સમયસર અને એકબીજા વિભાગોના સંકલનમાં રહીને પ્રજાના પ્રશ્નોને ઝડપી વાચા આપી જન સુખાકારીના કામો કરવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યશ્રીએ વિવિધ સરકારી કચેરીઓમાં કરેલી લેખિત રજૂઆત તેમજ પ્રશ્નોની પ્રાથમિકતાના ધોરણે સંતોષકારક જવાબ સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા સમય મર્યાદામાં આપી પૂર્તતા કરવામાં આવે તે બાબત ઉપર કલેક્ટરશ્રીએ ખાસ ભાર પૂર્વક જણાવ્યું હતું. જિલ્લા સંકલન ભાગ-૨ની બેઠકમાં જિલ્લા અમલીકરણના વિવિધ વિભાગોને ઈ-સરકાર મારફત જ પત્રવ્યવહાર કરવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. જિલ્લાના વિવિધ વિભાગોને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર રોજે રોજ થતી કામગીરીનો સાપ્તાહિક અહેવાલ પ્રસ્તુત કરવા જણાવ્યું હતું. સંકલનની બેઠક બાદ રોડ સેફ્ટી અંગેની યોજાયેલી બેઠકમાં રાજપીપલાની નવદુર્ગા હાઈસ્કૂલ, વિશ્વેશ્વર મહાદેવ રોડ ખાતે ગતિરોધક મૂકવા અને દેવલિયા ચોકડી તેમજ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વિવિધ સ્થળોએ પડેલા ખાડાનું દુરસ્તીકરણ કરવા અંગે ચર્ચા થઈ હતી. બાદમાં કાયદો અને વ્યવસ્થા, હિટ એન્ડ રનના કિસ્સામાં પડતર કેસોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
