નવસારીમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પાણી વધતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂર સંકટને પગલે આજે નવસારીમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ અને સોસાયટીમાં પાણી ભરાયા હતા. અનેક વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે ગતરોજ વરસાદનું ભારે જોર રહેતા કાશીવાડી વિસ્તારના લોકોના હાલ બેહાલ થયા હતા. તેમજ સવારે વરસાદનું જોર ઘટયું હતું. વરસાદે વિરામ લીધા બાદ જિલ્લામાં વરસાદે તબાહી મચાવ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. કાશીવાડી વિસ્તારમાં પૂરનો પ્રકોપ યથાવત રહ્યો હતો. કાશીવાડી વિસ્તારમાં ચાર ફૂટ જેટલા પૂરના પાણી જોવા મળ્યા હતા.
જોકે ગતરોજ નવસારી શહેરમા પૂરનું સંકટ તોળાયું હતું. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. લોકમાતા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા હતાં. વરસાદી પાણી ભરાવાના કારણે 250થી વધુ પરિવારો મુશ્કેલીમાં મૂકાયા હતા. શહેરમાં પૂરની સ્થિતિ જોવા મળતા આજે સલામતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા વિકાસ અધિકારીએ શહેરમા વરસાદને કારણે ભરાઈ ગયેલા પાણી અને નદીઓમાં આવેલા પૂરના પાણીની સ્થિતિને જોતાં શાળા સંચાલકોને શાળામાં રજા રાખવા સૂચના આપી છે. પૂર્ણા નદી ભયજનક સપાટી પરથી વહેતી થઈ હતી. શાંતા દેવી રોડ, ગધેવાન અને માછી માર્કેટમાં પાણી ઘૂસ્યા હતાં. જિલ્લામાંથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. આજે સવારથી વરસાદ બંધ રહેતા રાહત જોવા મળી હતી. પૂર્ણા નદીની સપાટીમાં પણ ઘટાડો થતાં પૂરનું સંકટ ટળ્યું હતું.
