ઓડિશાનાં રાઉરકેલામાં નક્સલીઓએ ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાને પડકારી છે. નક્સલીઓએ વિસ્ફોટકથી ભરેલી ટ્રક લૂંટી લીધી છે. નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટક ભરેલી ટ્રક લૂંટી લીધી છે. આ ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ પર છે. આ ટ્રક રાઉરકેલાના કેબલાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાંકો પથ્થરની ખાણ તરફ જઈ રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નક્સલીઓએ ટ્રકને રોકીને તેના ડ્રાઈવરને બંધક બનાવી લીધો અને ટ્રકને બળજબરીથી સારંડાના ગાઢ જંગલ તરફ લઈ ગયા. ઘટના બાદથી ઝારખંડ અને ઓડિશા પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે.
તાજેતરમાં 21 મે 2025ના રોજ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં થયેલા એક મોટા એન્કાઉન્ટરમાં નક્સલી સંગઠન ભાકપાના મહાસચિવ નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજને ઠાર કરી દેવામાં આવ્યો હતો જેના પર કુલ 10 કરોડ રૂપિયાનું ઈનામ હતું. જોકે માડવી હિડમા જેવા અન્ય ઘણા ખૂંખાર નક્સલીઓ હજુ પણ ફરાર છે અને સુરક્ષા દળો માટે એક મોટો પડકાર છે. છત્તીસગઢમાં 2025માં નક્સલીઓ સામે ઘણા મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. 21 મે 2025 નારોજ નારાયણપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં 27 નક્સલીઓ માર્યા ગયા હતા, જેમાં બસવરાજ જેવા મોટા નામ સામેલ હતા. બીજાપુર અને કાંકેરમાં 113 નક્સલીઓ માર્યા ગયા હતા 104ની ધરપકડ કરવામાં આવી હતી અને 164એ આત્મસમર્પણ કરી લીધુ હતું.
