સ્પર્ધામાં ‘વન નેશન-વન ઈલેક્શન’ વિષય પર યુવાનોએ અસરકારક ચર્ચા કરી ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય અંતર્ગત માય ભારત-સુરત અને વીર નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ‘વિકસિત ભારત ડિસ્ટ્રિક્ટ યુથ પાર્લામેન્ટ-૨૦૨૫’ સ્પર્ધા યોજાઈ હતી. નર્મદ યુનિ.ના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ યુવાનો સાથે પ્રેરણાત્મક ચર્ચા કરતા કહ્યું કે, આજનો યુવાન આવતીકાલનું ભવિષ્ય છે. જે દેશનું યુવાધન મજબૂત હોય, એ દેશનું ભવિષ્ય પણ મજબૂત બને છે. સાથે ‘વિકસિત ભારત’ના વિઝન અંતર્ગત યુવાનોના નેતૃત્વ અને ઘડતર પર પ્રકાશ પાડ્યો હતો.
આ યુથ પાર્લામેન્ટ અંતર્ગત ‘વન નેશન-વન ઈલેક્શન’ વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં આયુષી બોરડિયા, દર્શિત કાંતિભાઈ કોરાટ, શ્રેય ગણેશ શેડગે, જોશુઆ માર્ટિન, ધ્વનિ જરીવાલા, પાયલકંવર રાજપુરોહિત, વિશાખા પારીક, હર્ષિત કાબરા, સોનાલી રાઠોડ, પ્રિયલ બંસલ વગેરે સુપર ૧૦ વિજેતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, જે આગામી ‘રાજ્ય સ્તરની યુથ પાર્લામેન્ટ સ્પર્ધા’માં પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા દ્વારા યુવાનોમાં નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનો અને રાષ્ટ્રની લોકશાહી પ્રક્રિયાઓમાં સક્રિય ભાગીદારી વધારવાનો ઉદ્દેશ હતો. યુવાનો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી ભાગ લેશે. આ પ્રસંગે નંદકિશોર શર્મા, યુનિ.ના રજિસ્ટ્રાર ડો. આર.સી.ગઢવી, NYK-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, ડો.એસ.એસ. રાવ, ડો.મનીષા પાનવાલા, વિનતા રાવત, જયેશ ગાંધી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
