દેશમાં જીવલેણ વાઇરસ કોરોના ફરી ઉથલો મારવા લાગ્યો છે, દેશનાં 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા આ વર્ષે પ્રથમ વખત એક હજારને પાર પહોંચી ગઈ છે. સૌથી વધુ કોરના કેસો કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે, જ્યારે કોરોના વાઇરસથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થઈ છે. દેશના આ વર્ષે નોંધાયેલા કુલ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1083 પર પહોંચી ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં 430, મહારાષ્ટ્રમાં 208 કેસ, દિલ્હીમાં 104 કેસ અને ગુજરાતમાં 83 કેસ છે. કર્ણાટકમાં 80માંથી 73 કેસ બેંગલુરુમાં છે. ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાએ ધીમે ધીમે પગપેસારો કરતા એક્ટિવ કેસ 30 પર પહોંચી ગયા છે.
કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં કુલ 12 દર્દીઓના મોત થયા છે. આમાંથી નવ દર્દીઓ એક અઠવાડિયામાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ પાંચના મોત થયા છે, જ્યારે કેરળમાં બે, રાજસ્થાનમાં બે, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં એક-એકનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં કોરોનાથી 78 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. બિહારમાં પણ કોરોના વાઇરસના નવા વેરિયન્ટનો ધીમે ધીમે પગપેસારો થઈ રહ્યો છે. રાજ્યની રાજધાની પટણામાં છેલ્લા 24 કલાકમાં છ લોકો પોઝિટિવ થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આમાંથી એક મહિલા ડૉક્ટર અને બે નર્સનો પણ સમાવેશ થાય છે.
આ તમામમાં શરદી-ઉધરસ અને તાવ જેવા લક્ષણો હતા. ત્રણ પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે ત્રણને ઘરમાં જ આઈસોલેશનમાં રખાયા છે. દેશમાં કોરોનાના LF.7, XFG, JN.1 અને NB.1.8.1 વેરિયન્ટ એક્ટિવ છે, તેમ ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ જણાવ્યું છે. તાજેતરમાં કોરોનાના નવા વેરિઅન્ટ NB.1.8.1 અને LF7ના કેસો સામે આવી રહ્યા છે. જોકે આ વેરિઅન્ટ વધુ જોખમકારક માનવામાં નથી આવતો. પરંતુ, કોરોનાનો વેરિયન્ટ JN.1 ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડીજી ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે, ‘લોકોને કોવિડ-19ના આ નવા વેરિઅન્ટને લઈને ચિંતા કરવાની જરૂર નથી. આપણે ફક્ત સાવધાન રહેવાની જરૂર છે. સરકાર અને બધી એજન્સીઓ શું થઈ રહ્યું છે તેના પર નજર રાખી રહી છે. આપણે બસ મૂળભૂત સાવચેતીઓ રાખવીની જરૂર છે. પરંતુ જો કોઈ કેન્સરનો દર્દી હોય અથવા કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય અથવા તેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો આવા લોકોને કોઈપણ ચેપથી બચવાની સલાહ આપવામાં આવે છે.’
