દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમ થયા બાદ હવે તે ઉત્તર અને પશ્ચિમના રાજ્યો નજીક પહોંચવા લાગ્યું છે. જેને પગલે ગાજવીજ સાથે વરસાદ પણ પડવા લાગ્યો છે. ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાથી 13 લોકોનાં મોત થયા હતા. આ જાનહાનિ પ્રયાગરાજ, સંભલ, બિજનોર, ગોરખપુરમાં થઇ હતી. મહારાષ્ટ્રમાં પણ વીજળી પડવા સહિતની વરસાદની ઘટનાઓમાં 9 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે દક્ષિણમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હોવાથી કેરળમાં સ્થિતિ વધુ ખરાબ થવા લાગી છે. કેરળમાં અનેક જિલ્લાઓમાં સ્કૂલ-કોલેજોને બંધ રાખવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાથી જે 13 લોકો માર્યા ગયા છે તેમાં એક જ પરિવારના ચાર લોકોનો પણ સમાવેશ થાય છે.
પ્રયાગરાજના સોનવર્ષા ગામમાં વિરેન્દ્ર વનવાસી તેની પત્ની પારવતી અને બન્ને પુત્રીઓ વાંસની છતવાળા એક મકાનમાં રાત્રે ઉંઘી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડી હતી. જેને કારણે ચારેય લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. બિજનોરમાં બે લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડતા મોત થયું હતું. બીજી તરફ કેરળમાં રવિવારે પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડયો હતો, જેને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે નદીઓ ભયજનક સપાટી વટાવી ચુકી હતી. જેથી મોટાભાગના ડેમોને ખોલવા પડયા હતા.
કેરળમાં ભારે વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મલ્લાપુરમ, કન્નૂર, કાસરગોડ, વાયનાડ, થ્રિસુર જિલ્લાની શાળા-કોલેજોમાં રજાઓ જાહેર કરાઇ છે. કેટલાક મકાનો ધરાશાયી થવા જેવી ઘટનાઓ સામે આવી હતી જોકે કોઇ જાનહાનીના અહેવાલ નથી. કર્ણાટકમાં પણ ભારે વરસાદે જનજીવન ઠપ કર્યું હતું. કેટલાક વિસ્તારોમાં ભુસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. ખાસ કરીને મેંગલુરુમાં શહેરી વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા, કેટ્ટીકલ્લુમાં ભુસ્ખલનની ઘટના સામે આવી હતી. મહારાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડયો છે. આગામી બે દિવસમાં ચોમાસુ વધુ આગળ વધશે અને વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, બંગાળ, ઝારખંડ, બિહારમાં ભારે વરસાદની આગાહી છે.
