કેરળમાં નિપાહ વાયરસે ફરી એક વાત એન્ટ્રી મારી છે. તારીખ 4 જુલાઈ 2025 નારોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેએ પલક્કડની 38 વર્ષીય મહિલાને નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ કરી છે. મલપ્પુરમની 18 વર્ષીય યુવતીના મૃત્યુ થયું છે. કોઝિકોડ મેડિકલ કોલેજમાં બંનેના પ્રારંભિક ટેસ્ટ કરતાં તેઓ પોઝિટિવ જણાવાયા હતા. મળતી માહિતી મુજબ, ગત 28 જૂનના રોજ મલપ્પુરમની યુવતીને તબિયત લથડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં કોટ્ટક્કલ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી 1 જુલાઈના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પલક્કડની એક મહિલાને 1 જુલાઈના રોજ પેરિન્તલમન્નાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે કહ્યું કે, ‘નિપાહ પ્રોટોકોલ પહેલાથી જ લાગૂ કરી દેવામાં આવ્યો છે.
100 થી વધુ લોકોને હાઈ-રિસ્ક કોન્ટેક્ટ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓ અને પોસ્ટમોર્ટમ સ્ટાફને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.’ નિપાહનો મુખ્ય સ્ત્રોત ફ્રૂટ બૈટ્સ હોવાનું માનવામાં આવે છે. પલક્કડમાં દર્દીના ઘરની નજીક ચામાચીડિયાની હાજરીથી ઝૂનોટિક ટ્રાન્સમિશનની શંકા ઉભી થઈ છે. મે મહિનામાં મલપ્પુરમમાં એક 42 વર્ષીય મહિલાને નિપાહ હોવાની પુષ્ટિ થઈ હતી, જે પછીથી સ્વસ્થ થઈ ગઈ હતી. ICMRએ 100 ટકા ચોક્સાઈ સાથે પોર્ટેબલ નિપાહ ડિટેક્શન કીટ વિકસાવી છે. CEPIના સહયોગથી નિપાહ માટે mRNA વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગે ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે અને હોસ્પિટલોમાં કડક પ્રોટોકોલ લાગુ કર્યા છે. 2018 થી કેરળમાં નિપાહનો વારંવાર ઉદભવ ચિંતાનો વિષય છે.
