પીએનબી કૌભાંડના ભાગેડુ આરોપી હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીને યુકેની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે નીરવ મોદીની નવી જામીન અરજી ફગાવી દીધી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. નીરવ મોદી ત્યાંની જેલમાં બંધ છે અને 13000 કરોડ રૂપિયાના પીએનબી (PNB) છેતરપિંડીના કેસમાં તેના કાકા મેહુલ ચોક્સી સાથે ભારતમાં વોન્ટેડ છે.
સીબીઆઇએ અહીં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘નીરવ દીપક મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી નવી જામીન અરજી ગુરુવારે લંડનની કોર્ટ ઑફ કિંગ્સ બેન્ચ ડિવિઝન દ્વારા ફગાવી દેવામાં આવી હતી.’ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના વકીલે જામીન દલીલોનો સખત વિરોધ કર્યો. તેમને તપાસ અને કાયદા અધિકારીઓની બનેલી એક મજબૂત સીબીઆઇ ટીમ દ્વારા મદદ કરવામાં આવી હતી, જે આ હેતુ માટે લંડન ગઈ હતી. નીરવ મોદી 19 માર્ચ, 2019થી યુકેની જેલમાં છે. તેના પર કુલ કૌભાંડની રકમમાંથી 6498.20 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે નીરવ મોદીની જામીન અરજી 10મી વખત ફગાવી દેવામાં આવી છે. ભારત સરકાર નીરવ મોદીનું પ્રત્યાર્પણ કરીને તેને ભારત લાવવા માંગે છે. યુકે હાઇકોર્ટે પણ આ માટે પરવાનગી આપી છે.
