ગુજરાતના હવામાનમાં બદલાવ આવ્યો છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના લીધે આગામી ચાર દિવસ લોકોને ફરી એકવાર ગરમીનો અનુભવ થશે. તેમજ રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરુ થવાની શક્યતા છે. રાજયમાં 10 થી 14 ઓગસ્ટ દરમિયાન ગરમી સાથે બફારો રહેવાની પણ રહેશે. રાજયમાં મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે.
ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જેના કારણે બફારો અને ગરમીમાં વધારો થયો છે. શનિવારે સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે ડાંગના શુબીરમાં 18 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 63.84 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.73 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે.



