ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેકટ તેમજ પોલીસના નવ નિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 112 નું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: માત્ર-112 એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે.સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર સંચાલિત જીપીએસસી આ વાહનો દ્વારા આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ અમદાવાદમાં 150 કર્મચારીઓ ચોવીસ કલાક સેવા આપશે અને રાજ્યના નાગરિકોને સેવા પૂરી પાડશે.
112 જનરક્ષક પ્રોજેકટની ખાસિયતોમાં એક નંબર, અનેક સેવાઓ: પોલીસ (100 ), એમ્બ્યુલન્સ (108 ), ફાયર (101 ), મહિલા હેલ્પલાઈન (181 ), ચાઈલ્ડ હેલ્પલાઈન (1098 ) અને ડિઝાસ્ટર હેલ્પલાઈન (1070 /1077 ) જેવી સેવાઓ માટે હવે માત્ર112 નંબર ડાયલ કરવાનો રહેશે. જેમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે સજ્જ વાહનો દ્વારા ઘટના સ્થળ પર ઝડપી પહોંચ અને સમયસર મદદ મળી રહેશે. કોલ કરનારનું સ્થળ (લોકેશન) ડિટેકશન સિસ્ટમ દ્વારા સચોટ લોકેશન પ્રાપ્ત થતાં ઈમરજન્સી સેવાની ટીમોનું સીઘ્ર પ્રસ્થાન.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક નંબર, અનેક સેવાનો’ ડાયલ-112નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે રક્ષા શક્તિને વધુ સંગીન બનાવીને ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ રાજ્યના પોલીસ દળમાં થઈ રહ્યો છે આ સમારોહ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે રાજ્ય પોલીસદળનું મનોબળ વધારવા સાથે આતંકવાદ,ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, એટલું જ નહીં પોલીસ પ્રશિક્ષણની આખી તાસીર બદલી નાખીને નવા પડકારોને પહોંચી વળવા પોલીસદળને આધુનિકતા સાથે સ્માર્ટ પોલીસીંગ માટે વધુને વધુ સજ્જ અને સક્ષમ બનાવ્યું છે.તેમણે એમ પણ કહ્યું કે, આપણા પોલીસ જવાનો ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિકશન માટે સમયાનુસાર બદલાવ લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે કેપેબલ થયા છે.




