આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વેદ હોસ્પિટલની બે નર્સો દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. આ ગેરકાયદેસર ગર્ભપાત દરમિયાન પરિણીતાને ગંભીર ઈજા થતાં તેના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે બંને નર્સની ધરપકડ કરી છે.
ઘટનાની વિગત મુજબ, ઉમરેઠની વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતી બે નર્સ પરીણીતાને તેના ઘરે લઈ ગઈ હતી અને ત્યાં ગર્ભપાત કરવાની ઓફર કરી હતી. પરિણીતા અને તેના પરિવારે આ ઓફર સ્વીકારી હતી, પરંતુ ગર્ભપાતની પ્રક્રિયા દરમિયાન પરિણીતાના ગર્ભમાં સાધન વાગી જતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. પરિણીતાની હાલત વધુ ગંભીર બનતા તેને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરિણીતાના પતિએ આ સમગ્ર ઘટના અંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.તેમણે જણાવ્યું હતું કે, નર્સોએ પૈસા કમાવવાના લોભમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કર્યો હતો, જેના કારણે તેમની પત્નીનો જીવ જોખમમાં મુકાયો છે. પોલીસે આ ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ગેરકાયદેસર ગર્ભપાત કરનાર બંને નર્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે નર્સોની વધુ પૂછપરછ હાથ ધરી છે, જેથી આ પ્રકારના અન્ય કિસ્સાઓનો પણ પર્દાફાશ થઈ શકે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વેદ હોસ્પિટલના અન્ય કોઈ કર્મચારીઓ કે ડોક્ટરની સંડોવણી છે કે કેમ.



